અધિકારીઓએ ખરાઈ કર્યા સિવાય આંગણવાડી ખેતરમાં બનાવી દીધી હતી.
આંગણવાડી ખોટી જગ્યાએ બનાવ્યાની ખબર ૧૦ વર્ષે પડી-છેલ્લા એક મહિનાથી આંગણવાડીને તાળું મારી દેવામાં આવ્યું છે
જંબુસર, જંબુસરના કહાનવા ગામે ૨૦૧૪માં થયેલ બેદરકારીનું પરિણામ આંગણવાડીના ૩૫ બાળક ભોગવી રહ્યાં છે. આંગણવાડી બનાવવામાં આવી છે તેના માલિકોના નામમાં વિવાદના લઇ એક મહિનાથી ઓરડાને તાળું મારી દેવામાં આવતાં હાલ બાળકો સંચાલકના ઘરે અભ્યાસ કરી રહ્યાં છે.
કહાનવા ગામે શેખાવગા વિસ્તારમાં ૨૦૧૪માં કાસમભાઈ રસુલભાઈના ખેતરમાં આંગણવાડી બનાવવાની મંજુરી તથા ઠરાવ કરી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ ગ્રાન્ટ ફાળવણી થયા પછી જે તે સમયના અધિકારી-પદાધિકારીઓએ ખરાઈ કર્યા સિવાય આંગણવાડી ઈસ્માઈલભાઈના ખેતરમાં બનાવી દીધી હતી. ૧૦ વર્ષ બાદ ઈસ્માઈલભાઈને ખોટી જગ્યામાં આંગણવાડી બનાવી દીધી હોવાની ખબર પડતાં તેમણે એક મહિનાથી આંગણવાડીને તાળું મારી દીધું છે.
આમ આ બેદરકારીના પરીણામે આ આંગણવાડી બંધ થતાં અંદાજિત ૩૫ બાળકો આ આંગણવાડીમાં અભ્યાસ કરી શકતા નથી તેઓ હાલમાં આંગણવાડી ચલાવનાર બેનના નિવાસસ્થાને અભ્યાસ કરે છે.