શ્રમિક પરિવારની દિકરી પર દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસી આપવા ભરૂચ કલેકટરને આવેદન
(પ્રતિનિધિ) ભરૂચ, ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા ભરૂચ જીલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં સગીર બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાનને ફાંસીની સજા આપવા બાબતે રાજ્યપાલને સંબોધીને જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં રહેતા શ્રમિક ગરીબ પરિવારની ૧૦ વર્ષની માસુમ દિકરી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરી સગીરાના ગુપ્ત ભાગે લોખંડનો સળીયો નાંખી નીચ પ્રકારનું હેવાનિયત ભર્યું અતિ નિંદનીય કૃત્ય આચરનાર નરાધમ વિજય પાસવાનને તુરત જ ફાંસી આપવામાં આવે સાથે પીડિત દીકરીને સરકાર દ્વારા સારામાં સારી સારવારની સુવિધાઓ આપવા માંગણી કરી છે.
ભોગ બનનાર શ્રમિક પરિવારને આર્થિક મદદ પણ સરકાર દ્વારા કરવામાં આવે તેમજ ગુજરાત રાજ્યમાં અવારનવાર આવા કૃત્ય થઈ રહ્યા છે ત્યારે આવા નરાધમોને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરી છે.મોટાભાગના કિસ્સાઓમાં ગરીબ દીકરીઓ સાથે હેવાનિયત પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે ત્યારે શરૂમાં સરકાર સખત કાર્યવાહીનો ડોળ કરે છે પણ પાણીનું નામ ભુ જેવી સ્થિતિ થતી હોય છે.
પરિણામે આવા નરાધમો ફૂલ્યા ફાલ્યા છે માટે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચો સરકારને ચેતવણી આપે છે કે આ ગરીબ માસુમ દીકરીને પૂરેપૂરી ન્યાય મળે અને ઉચ્ચ કક્ષાની સારામાં સારી હોસ્પિટલની સુવિધા સુનિશ્ચિત કરે અને નરાધમને વહેલી તકે ફાંસીના માંચડે લટકાવવામાં આવે,
જો સરકાર થોડી પણ કચાસ કે નરાધમને છૂટછાટ આપશે તો અમે ચલાવી લઈશું નહીં પછી જે પણ કંઈ થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.