પાર્સલ બ્લાસ્ટ કેસ : ત્રણ આરોપીને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર સોંપ્યા
મુખ્ય આરોપી રૂપેને દેશી બોમ્બ, પિસ્તોલ બનાવવાની ટ્રેનિંગ લીધા અંગે પોલીસે તપાસ આદરી છે
અમદાવાદ,
સાબરમતી વિસ્તારમાં પત્ની સાથે અણબનાવમાં પાર્સલ બોમ્બ બનાવી વિસ્ફોટ કરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે ત્રણ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. મુખ્ય આરોપી રૂપેને દેશી બોમ્બ, પિસ્તોલ બનાવવાની ટ્રેનિંગ લીધા અંગે પોલીસે તપાસ આદરી છે. પાર્સલ બ્લાસ્ટ કેસ મામલે ઝડપાયેલા રૂપેન કિશોરભાઇ રાવ (બારોટ), ગૌરવ નીકુંજભાઇ ગઢવી અને રોહન ઉર્ફે રોકી યોગેશભાઇ રાવળને પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા.
સરકારી વકીલે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ગુનાઇત કાવતરું રચી ગુનાને અંજામ આપ્યો છે તો ગુનો કરતા પહેલાં આરોપીઓ ક્યાં ભેગા થયા હતા, આરોપીઓ સિવાય બીજુ કોણ કોણ ગુનો કરવામાં સામેલ છે, આરોપીના ઘરેથી વિસ્ફોટક સામગ્રી મળી આવી છે તે સામગ્રી તેણે ક્યાંથી કેવી રીતે મગાવી હતી અને પાર્સલ ક્યાંથી મગાવ્યું હતું અને કોની મદદથી પાર્સલ તૈયાર કર્યું, આરોપીએ ગુનામાં ક્રેટા ગાડી વાપરી હતી તે કોની છે, વિસ્ફોટક સામગ્રી મામલે ટેકનિકલ એનાલિસિસ ટીમ સાથે રાખી આરોપીઓની પૂછપરછ જરૂરી છે, આરોપીએ વિસ્ફોટક પાર્સલ કોની મારફતે મોકલ્યું હતું, આરોપીએ બોમ્બ કેવી રીતે બનાવ્યો હતો અને આ માટે તેને ટ્રેનિંગ લીધી હતી.
આરોપીને કેટલા સમયથી પત્ની સાથે અણબનાવ હતો, મુખ્ય આરોપી રૂપેન સાથે અન્ય આરોપીઓ કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા અને ગુના સિવાય અન્ય કોઇ જગ્યાએ દેશી બોમ્બ બનાવ્યો છે કે નહીં, આરોપીઓના સીમકાર્ડ ડેટા મેળવી તેઓ કોની સાથે સંપર્કમાં હતા તેની તપાસ કરવાની છે, આરોપીઓએ આ રીતે બીજી કોઇ જગ્યાએ ગુનો કર્યાે છે કે નહીં સહિતના મુદ્દાની તપાસ માટે સાત દિવસના રિમાન્ડની જરૂર છે. બચાવ પક્ષના વકીલે રિમાન્ડ નહીં આપવા અંગે દલીલ કરતા જણાવ્યું હતું કે જે આરોપીઓ જાણતા હતા તે પોલીસ તપાસમાં સામે આવી ચૂકી છે. જ્યારે ટેકનિકલ બાબતોની પૂછપરછ માટે આરોપીઓના રિમાન્ડ આપી શકાય નહીં. ગ્રામ્ય કોર્ટે ત્રણેય આરોપીના ૨૭ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.ss1