બૂટલેગરો બાળકો પાસે દારૂની પેટીઓ ઉતરાવતા…વીડિયો વાયરલ થયો
આ પ્રકરણમાં પોલીસે વીડિયો વાયરલ કરનારની તલાશ આદરી છે, જેમાં બે સગીર હોવાનું ખૂલ્યું છે
પોલીસને પડકાર ફેંકતો વીડિયો વાયરલ થતાં સ્ટેટ મોનિટરિંગ સેલે ફરિયાદ નોંધાવી
અમદાવાદ,ગુજરાતમાં દારૂનું દૂષણ સતત વધી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની ડિલિવરી કરવાના વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં બાળકો દારૂની પેટીઓ ઉતારતા હોવાનું દર્શાવવામાં આવતું હતું. આ અંગે રાજ્યના પોલીસ વડાએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન આ વીડિયો વાયરલ કરવાના કેસમાં પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ પ્રકરણમાં પોલીસે વીડિયો વાયરલ કરનારની તલાશ આદરી છે, જેમાં બે સગીર હોવાનું ખૂલ્યું છે. બૂટલેગરો પોલીસ અને અન્યથી બચવા માટે દારૂની ખેપ મારતી વખતે પોતાની સાથે બાળકો રાખતા હોય છે જેથી સલામત રીતે દારૂની ખેપ મારી શકાય.
થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર રાજસ્થાન ગુજરાતમાં દારૂની ડિલિવરીના વીડિયો વાયરલ થયા હતા. જેમાં દારૂની ડિલિવરી કરવા જતાં બૂટલેગરો પોતાની સાથે નાના બાળકોને રાખતા હતા. બનાસકાંઠામાં આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ વીડિયો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ચાર ઇન્સ્ટગ્રામ આઇડી પ્લેટફોર્મ પરથી વીડિયો વાયરલ કરાયા હોવાનું જણાયું હતું. આ વીડિયોમાં જોવા મળે છે કે એક ગાડીમાં દારૂની ડિલિવરી કરવામાં આવી રહી છે. જ્યારે પાછળની સીટમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ ચાર આઇડી પૈકી એક દશરથ ઠાકોરનું, એક સ્વરૂપસિંહ લવારા અને બે એકાઉન્ટ સગીરના હોવાનું જાણી શકાયું છે. આ અંગે તપાસ ચાલી રહી છે. આવા તત્ત્વો દ્વારા પોલીસને પડકાર ફેંકવામાં આવતી ઘટનાઓને લઇને રાજ્યમાં બૂટલેગરોની હિંમત વધી ગઇ હોવાનું સાબિત થઇ રહ્યું છે. રાજ્ય પોલીસ વડાએ આવા તત્ત્વોને ડામી દેવાની પ્રક્રિયા હાથ ધરી છે.ss1