ભરૂચ જીલ્લામાં ૦ થી ૫ વર્ષના ૨.૪૪ લાખ બાળકોને પોલીયોની રસી પીવડાવવાનું આયોજન
કોઈ પણ બાળક પોલીયોની રસી વગર રહી ન જાય તેની કાળજી લેવા કલેક્ટરનો અનુરોધ :
૦ થી ૫ વર્ષના બાળકોમાં ૧૦૦% રસીકરણ થાય તે માટે સ્ટીયરીંગ કમિટિની મળેલી બેઠક.
ભરૂચ: પોલીયો રસીકરણ અંગેના રાષ્ટ્રીય અભિયાનમાં ૧૦૦% સિધ્ધિ હાંસલ કરવા અધિકારીઓને કાળજી રાખવા જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ અનુરોધ કર્યો હતો.આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં ૦ થી ૫ વર્ષના બાળકોમાં ૧૦૦% રસીકરણ થાય તે માટે સ્ટીયરીંગ કમિટિની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ પોલીયો રસી મુકાવવા માટે પ્રજાજનોમાં જાગૃત્તિ લાવવા જિલ્લાના આરોગ્ય અધિકારીઓને જણાવ્યું હતું.કલેકટરએ વધુમાં જણાવ્યું કે, ૦ થી ૫ વર્ષનો કોઈ પણ બાળક રહી ન જાય તેની કાળજી લેવા ખાસ સુચવ્યું હતું.
તેમણે પલ્સ પોલીયો કાર્યક્રમ અંગેના આયોજનની વિસ્તૃત જાણકારી પણ મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્ટીયરીંગ કમિટિ પ્લસ પોલીયો અભિયાનના સભ્ય સચિવ ડૉ.અનિલ વસાવાએ તા.૧૯ જાન્યુઆરીથી ત્રણ દિવસ માટેના પલ્સ પોલીયો અભિયાનના આયોજનની જાણકારી આપી ઘનિષ્ઠ પલ્સ પોલીયો ઈમ્યુનાઈઝેશન કાર્યક્રમના માર્ગદર્શન પ્રમાણે ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસીથી આવરી લેવાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજે ૨૪૪૦૨૧ બાળકોને પોલીયોની રસી પીવડાવવાનું નક્કી કરવામાં આવેલ છે.૧૯ તારીખે ૯૫૮ બુથો પર આ કામગીરી હાથ ધરાશે તેમજ બીજે અને ત્રીજે દિવસે ઘેર ઘેર રસીકરણ અભિયાન હેઠળ આશરે ૪.૨૬ લાખ ઘરોના સર્વે કરાશે.૨૪૦ જેટલી મોબાઈલ ટીમ કામગીરી હાથ ધરશે જે જીઆઈડીસી વિસ્તાર, શહેરી વિસ્તારની આસપાસના નાના કામ ચલાઉ રહેણાંક વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, શેરડી કટીંગ અગરીયા વિસ્તાર, ઝૂંપડપટ્ટીઓ, બાંધકામ ચાલતા હોય તેવા વિસ્તારોમાં કામગીરી હાથ ધરશે. આ બેઠકમાં જિલ્લાના આઈસીડીએસ અધિકારી, જિલ્લા-તાલુકાના આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.