Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની ગાડી પર હુમલો

હુમલામાં સ્થાનિક સ્ટાફ વદુદ ખાનના સુરક્ષા ગાર્ડનું મોત થયું છે અને વદુદ ખાન સહિત બે લોકો ઘાયલ થયા છે

નવી દિલ્હી, અફઘાનિસ્તાનના જલાલાબાદમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના વાહન પર ભીષણ હુમલો થયો છે. હુમલામાં સ્થાનિક સ્ટાફ વદુદ ખાનના સુરક્ષા ગાર્ડનું મોત થયું છે અને વદુદ ખાન સહિત બે લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર જલાલાબાદમાં બંધ પડેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસ સંબંધિત અફઘાન કર્મચારીઓ પર મંગળવારે અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. ભારતમાં સૂત્રોએ જણાવ્યું કે સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. તેઓએ પુષ્ટિ કરી છે કે, કોઈ પણ ભારતીય કર્મચારી ઘાયલ થયો નથી.

જલાલાબાદમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ સત્તાવાર રીતે ૨૦૨૦થી બંધ છે, પરંતુ અફઘાન સ્થાનિક લોકોનો એક નાનકડો સ્ટાફ ત્યાં કામ કરે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, આ ઘટનામાં ત્રણ લોકોના મોત અને એક ઘાયલ હોવાના સમાચાર મળી રહ્યાં છે.

જો કે, અસરગ્રસ્તોને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. મંગળવારની ઘટનાને એક ટાર્ગેટેડ હુમલો માનવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી કોઈ જુથે તેની જવાબદારી લીધી નથી.

જલાલાબાદમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ૨૦૨૦થી બંધ છે. ભારત સરકારે તેને સુરક્ષાની ચિંતાઓ વચ્ચે પોતાના સંપૂર્ણ સંચાલનને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, અફઘાન નાગરિકોની એક નાની ટીમ વાણિજ્ય દૂતાવાસના લિમિટેડ કામોની દેખરેખ રાખી રહી છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપિત અશરફ ગનીના શાસન દરમિયાન અફઘાનિસ્તાનમાં વિકાસ પરિયોજાનાઓમાં લાખો ડોલરનું રોકાણ કર્યું છે.

ભારતના ૨૦૨૧માં પોતાના તમામ વાણિજ્ય દૂતાવાસ બંધ કર્યાં, જ્યારે તાલિબાની દળોએ અમેરિકન સેનાની વાપસી પછી દેશનો મોટો ભાગ કબ્જે કરવાનો શરૂ કર્યો. હાલમાં માત્ર કાબૂલમાં જ દૂતાવાસ ચાલુ છે. ભારત ૨૦૨૧થી અફઘાનિસ્તાન પર શાસન કરી રહેલા તાલિબાન શાસનને માન્ય આપતુ નથી. જો કે, નવી દિલ્હી સમયાંતરે અફઘાન લોકોને ઘઉં, દવાઓ અને તબીબી સંધિત સહાય આપતુ રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.