Western Times News

Gujarati News

સિટી બસ ડ્રાઇવરની બેદરકારીથી માતા-પુત્ર કચડાયાં

પ્રતિકાત્મક

રાજકોટ પાસે સિટી બસે માતા-પુત્રને કચડ્યાંઃ માથું છુંદાતાં બાળકનું મોત -રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી સિટી બસના ચાલકની ધરપકડ કરી હતી

રાજકોટ, રાજકોટ નજીકના કણકોટ ગામ પાસે સિટી બસ ડ્રાઇવરની બેદરકારીને કારણે બસે માતા-પુત્રને કચડી નાખ્યા હતા. જેમાંથી પુત્રનું માતાની નજર સામે કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા અરેરાટી મચી ગઇ હતી. રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી સિટી બસના ચાલકની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કણકોટ ગામ પાસે લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજના ગેઇટ સામે આ ઘટના બની હતી.

આ સ્થળે યુ ટર્ન લેતી વખતે સિટી બસના ચાલકે ધ્યાન રાખ્યું ન હતું. જેને કારણે બાળકનો ભોગ લેવાયો હતો. કણકોટ ગામમાં ક્રિષ્નાનગરમાં રહેતા હેતલબેન ભરતભાઇ ગોયલ (ઉ.વ.૩૩)ના પતિ મજૂરી કરે છે. તેને સંતાનમાં એક પુત્ર રાજવીર છે. જેની ઉંમર ૭ વર્ષ છે. ગતરોજ સવારે હેતલબેન પુત્ર રાજવીરને ઘરેથી લઇ નાસ્તો લેવા માટે જતા હતા ત્યારે પાછળથી પૂરઝડપે ધસી આવેલી સિટી બસે બંનેને હડફેટે લીધા હતા.

જેને કારણે બસની આગળનું વ્હીલ રાજવીરના મોઢા સહિતના ભાગ પરથી ફરી વળ્યું હતું. જ્યારે હેતલબેનનો જમણો પગ વ્હીલ નીચે આવી ગયો હતો. બસનું વ્હીલ ફરી વળતાં રાજવીરનું મોઢુ અને આખુ શરીર છુંદાઇ જતાં સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે હેતલબેનનો જમણો પગ કપાઇ ગયો હતો. માત્ર ચામડીના ભાગ સાથે પગ લટકી ગયો હતો.

આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો ભેગા થયા હતા. જેમાંથી કોઇએ ૧૦૮ને જાણ કરતાં તેના તબીબે રાજવીરને મૃત જાહેર કર્યો હતો. જ્યારે હેતલબેનને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. અકસ્માતને પગલે બસનો ચાલક લોકોના ગુસ્સાથી બચવા ત્યાંથી રવાના થઇ ગયો હતો. બાદમાં તાલુકા પોલીસ મથકે હાજર થઇ ગયો હતો. પોલીસે હેતલબેનની ફરિયાદ પરથી બસ ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.