ફ્રુટના વેપારીને રીક્ષામાં ઘસી આવેલી ત્રિપુટીએ દોડાવી દોડાવીને છરીના ઘા ઝીંક્યા
રાજકોટમાં વેપારીને દોડાવીને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ -રૈયા રોડ પારિજાત સોસાયટીમાં રહેતા ફ્રુટના વેપારીને રીક્ષામાં ઘસી આવેલી ત્રિપુટીએ દોડાવી દોડાવી છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો
રાજકોટ, રાજકોટમાં ડીજીની ક્રાઈમ કોન્ફરન્સ પછી ય કાયદો અને વ્યવસ્થાના લીરા ઊડી રહ્યા છે અને લુખ્ખાઓમાં પોલીસની કોઈ જ ધાક ના હોવાનું ચિત્ર ઉપસ્યું છે. રૈયા રોડ પારિજાત સોસાયટીમાં રહેતા ફ્રુટના વેપારીને રીક્ષામાં ઘસી આવેલી ત્રિપુટીએ દોડાવી દોડાવી છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓનું ઘટના સ્થળે સરઘસ નીકળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.
રાજકોટમાં રૈયારોડ પર આર.એમ.સી ક્વાર્ટરમાં આલાપ ગ્રીન સિટી આગળ તુલસી સુપર માર્કેટ સવનની સામે રહેતાં અંકિતભાઈ ભીખુભાઈ સોલંકી (ઉ.૨૦) એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે અહેમદ હુસેન કાદર કટારીયા (રહે.આર.એમ.સી ક્વાર્ટર નં.૪૧૨), અમીન કાદર કટારીયા અને નવાબ ફઝલ શેખ (રહે. બંને શિવપરા, રૈયા રોડ) નું નામ આપતાં યુનિ. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે,તે આલપ ગ્રીન સિટી પાસે ફ્રુટનો વેપાર કરે છે.ગઈકાલે બપોરના સમયે તે ઘરે જમવા માટે ગયો હતો ત્યારે ઘર પાસે તેમના કાકી નીતાબેન સાથે કોઈ અજાણ્યા મહિલા ઝઘડો કરતા હતા. ત્યારે ત્યાં એક છોકરો હતો,જેને ત્યારે સમજાવ્યો અને સમાધાન કરાવ્યું હતું.
બાદમાં કાકીને પૂછતા તેમણે કહ્યું હતું કે, તેમનો દીકરો જયેશ દુકાને ભાગ લેવા ગયો ત્યારે ત્યાં અજાણી વ્યક્તિ રિક્ષા લઈ આવેલો અને તેણે જયેશના પગની બાજુમાંથી રીક્ષા ચલાવતા સામાન્ય ઈજા થઈ હતી. જેથી તે બાબત કાકી રિક્ષાવાળાને કહેવા જતા ઝઘડો થયો હતો.ત્યારબાદ જમીને આલાપ ગ્રીન સીટી ચોકમાં રેકડીમાં ફ્રુટ ભરતો હતો ત્યારે એક રીક્ષા આવી હતી.
તેની પાછળ બે વ્યક્તિ બેઠેલા હતા.જે બંને નીચે ઉતરી હાથમાં ખુલ્લી છરી લઈ આવી તને આજે જીવતો નથી રહેવા દેવો કહી પાછળ મારવા દોડતા તે રેકડી લઈ ભાગવા લાગ્યો હતો. દરમિયાન ત્રણેય શખ્સો રિક્ષામાં બેસી પાછળ થતા યુવાન દોડીને પારિજાત સોસાયટી શેરીમાં પહોંચ્યો ત્યારે રિક્ષામાં બેસી પાછળ આવતા બંને શખ્સો પહોંચી ગયા હતા અને ત્યારે પાછળ તેમને છોડાવવા અજય આવ્યો હતો.
હુમલાખોરોએ બંને યુવાન પર છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ફરિયાદી અને તેની સાથેના યુવાનને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યા હતા.