ભાગ્ય હોય તો ભાગવત સાંભળવા મળે: જેને સાંભળવાથી મતભેદ અને મનભેદ દૂર થાય
ભાગવત કથામૃતમ્: નામ અને રૂપનો મોહ ન છૂટે ત્યાં સુધી ભક્તિ થતી નથી-રાજ્યના એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ ભાગવતાચાર્ય ડૉ. કૃણાલભાઈ જોશી(અમદાવાદ) સંગીતમય શ્રેણીમાં ભાગવતના લીલા
શહેરા તાલુકાના નવીવાડી ગામ ખાતે આવેલ અંબાજી માતાના મંદિરે તા.૨૪ થી ૩૦મી ડિસેમ્બર સુધી સંગીતમય પુનિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ ચારસોથી વધુ કથા કરનાર રાજ્યના એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ ભાગવતાચાર્ય ડૉ. કૃણાલભાઈ જોશી(અમદાવાદ) સંગીતમય શ્રેણીમાં ભાગવતના લીલા ચરીત્રોથી સભર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહેલ છે.
ભાગવત સપ્તાહના બીજા દિવસે વ્યાસપીઠ ઉપરથી સ્વયંભૂ મનુના વંશનું વર્ણન,શિવ-સતીનાં લગ્ન,ધૃવચરીત્ર, પુરંજન ઉપાખ્યાન,રાજા વેન પૃથુ પ્રિયવ્રત નાભિ વૃષભદેવ તથા ભરતચરીત્રના પ્રસંગો સંગીતમય રીતે રજૂ કરી શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા.આવો જોઇએ તેની રત્નકણિકાઓ..
ભાગ્ય હોય તો ભાગવત વાંચવા-સાંભળવા મળે છે. જેને સાંભળવા માત્રથી મતભેદ અને મનભેદ દૂર થાય છે. સંસારના લોકો ભક્તિયોગને સમજી શકે અને કૃષ્ણ પ્રેમમાં તેમના જીવનનો મોહ-શોક અને ભય નષ્ટ થઈ જાય તે હેતુથી શ્રી વેદ-વ્યાસજીએ ભાગવતનું નિર્માણ કર્યું છે. સર્વ પ્રકારનું અભિમાન છૂટે, વ્યક્તિ દિન બને છે તે ભગવાનને વ્હાલો લાગે છે. દુઃખ આપણો ગુરૂ છે, દુઃખમાં મનુષ્યને ડહાપણ આવે છે, દુઃખમાં જીવને પરમાત્માના શરણે જવાની ઈચ્છા થાય છે.
આઠ પ્રકારના યોગના અંગો વૈકુંઠના સાત દરવાજા છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ આ આઠ દરવાજા વટાવ્યા પછી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.જીવનના છેલ્લા શ્વાસ સુધી સાવધાન રહેવાની જરૂર છે.મનુષ્યને કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ છુટતો નથી.નામ અને રૂપનો મોહ ન છૂટે ત્યાં સુધી ભક્તિ થતી નથી.
ભાગવત દામ્પત્યજીવનનાં સાત સૂત્રો આપે છે.સંયમ સંતુષ્ટિ સંતાન સંવેદનશીલતા સંકલ્પ સક્ષમ થવું અને સમર્પણ..આ સાત સૂત્રો વિના દામ્પત્ય પુરૂં થઈ શકતું નથી.પરમાત્માનાં ત્રણ સ્વરૂપ છેઃ સચ્ચિદાનંદ.સત સર્વત્ર વ્યાપેલ છે.જડ વસ્તુઓમાં પણ સત અને ચિત્ત છે પરંતુ આનંદ નથી.જીવમાં સત અને ચિત્ત પ્રગટે છે પણ આનંદ અપ્રગટ રહી જાય છે.આનંદ આપણામાં છે છતાં પણ મનુષ્ય આનંદને બહાર શોધે છે.આનંદને જીંદગીમાં કઈ રીતે પ્રગટ કરવો તે ભાગવત શીખવે છે.ભગવાનનું પહેલું રૂપ સત્ય છે.જે દિવસે આપણા જીવનમાં સત્ય આવશે ત્યારે સમજજો કે ભગવાન આપણી નજીક છે.ચિત્ત એટલે આપણી અંદરનો પ્રકાશ.આત્મપ્રબોધને પ્રાપ્ત કરો પછી આનંદ જુઓ.
સંસાર ત્યાગવાની જરૂર નથી.યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે તે જ આનંદ ગૄહસ્થોને ઘરમાં બેસીને મળે છે.સંસારમાં રહીએ તેનો વાંધો નથી પણ જ્યારે સંસાર આપણામાં ઘૂસી જાય છે તેનો વાંધો છે. સ્વર્ગમાં રહેવું કે નર્કમાં રહેવું તે આપણા જ હાથની વાત છે.ઘરમાં રહીને ભગવાનને પ્રસન્ન કરવાના તેમજ ભગવાનને પ્રાપ્ત કરવાના રસ્તા ભાગવત બતાવે છે.આપણો વ્યવહાર ભક્તિમય બની જવો જોઈએ, ભાગશો નહીં પણ ભક્તિ કરો.
ઈશ્વર વંદનીય છે.વંદન એટલે આપણી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિને ભગવાનને અર્પણ કરવી.વંદન કરવાથી અભિમાન ઓછું થાય છે.એક ક્ષણ પણ પરમાત્માનું ચિંતન કર્યા વિનાની ન જવી જોઈએ. વિપરીત સંજોગોમાં પરમાત્મા યાદ આવે છે.વાસના જ પુનર્જન્મનું કારણ બને છે.આચાર વિચાર શુદ્ધ હોય તો જ ભક્તિ થાય છે.કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય ઘટે છે.ભોગની ઇચ્છા થાય ત્યાં ભક્તિ ન થાય. દેહભાવથી મુક્ત થયા બાદ જ પરમાત્મા મળે છે.
બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેતું નથી.બ્રહ્મચર્ય સંતોષ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય આપણા અંતરમાં આવશે તો આપણે ગુણાતીત બનીશું.સંત સ્વયં તીર્થ સ્વરૂપ હોય છે.જો ભય લાગે તો ભગવાનને યાદ કરો.આતુરતા વગર ઈશ્વરનાં દર્શન થતાં નથી.પોતાના શરીરને સાચવીને રાખો,ઇન્દ્રિયો નષ્ટ થતાં શરીર નષ્ટ થઇ જશે.ભગવાન આપણા પાપનો હિસાબ રાખે છે. અનીતિથી કમાયેલું ધન દુઃખ આપે છે.પાપને છુપાવો નહીં અને પુણ્યને જાહેર ન કરો.મૄત્યુના સમયે માયા મોહનો ત્યાગ કરો.
શાંતિ સંયમ-સદાચાર અને સારા સંસ્કારથી મળે છે,સંપત્તિથી તો વિકાર-વાસના વધે છે.વિષયો ક્ષણિક જ ઉત્તમ સુખ આપે છે.જેનું જીવન શુદ્ધ-પવિત્ર છે તેને ભજનાનંદ મળે છે અને તે આનંદ કાયમ ટકે છે.જે નીતિને આધિન રહી પવિત્ર જીવન ગાળે તેને ઈશ્વરનું જ્ઞાન થાય છે, પરમાત્માના દર્શન થાય છે.
જીવાત્મા યાત્રાએ નીકળ્યો છે.ક્ષણિક સુખ માટે આખો દિવસ ગદ્ધા-વૈતરૂં કરે છે.અતિશય દુઃખ સહન કરીને થોડું સુખ ભોગવે છે.સંસાર સુખ માટે મનુષ્ય જેટલું દુઃખ સહન કરે છે તેટલું પરમાત્મા માટે સહન કરે તો તેને પરમાત્માના દર્શન થાય છે.અતિકામીને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી,અતિશય સ્ત્રીને આધીન રહેવું તે પાપ છે.જે અતિશય સ્ત્રીને આધીન હોય તેવી વ્યક્તિને જોવામાં પણ પાપ છે.
હજાર શિક્ષક ના આપી શકે એટલા સંસ્કાર એક જાગૃત ર્માં બાળકને આપે છે.ર્માં એ ગુરૂ છે, ર્માં ના અનંત ઉપકાર છે. ર્માં ના ઋણમાંથી કોઈ મુક્ત થઇ શકે નહિ.મનુષ્ય પાસે માંગશો ઘણું તો આપશે થોડું અને કોઈ વાર તિરસ્કાર કે અપમાન પણ કરશે અને આપ્યા પછી જાહેર કર્યા વગર તેને ચેન નહિ પડે. પરમાત્મા ખુબ આપશે પણ કહેશે નહિ કે મેં આપ્યું છે.પરમાત્માની કૃપા થાય તો સામેથી સંત(ગુરૂ)ને મોકલે છે.અધિકારી શિષ્યને સદગુરૂ રસ્તામાં જ મળે છે.તત્વથી જોઈએ તો સદગુરૂ અને ઈશ્વર એક જ છે.પરમાત્માને જાણ્યા પછી કાંઇપણ જાણવાનું બાકી રહેતું નથી.
વાસના કોઈ વિષયમાં બંધાય તો વિવેકથી યુદ્ધ કરી તેને શુદ્ધ કરવાની છે.મનુષ્ય લૌકિક સુખમાં એવો ફસાયેલો છે કે હું કોણ છું? તેનું જ્ઞાન થતું નથી.જે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી તે પરમાત્માને કેવી રીતે ઓળખી શકે? પુરંજન એ જીવાત્મા છે.ઈશ્વરને ભૂલીને તે નવ દરવાજા વાળા માનવ શરીરમાં આવ્યો છે.સંસારસુખ ભોગવવાની ઈચ્છા અને સંકલ્પવાળો જીવ એ બુદ્ધિ સાથે પરણે છે.સંકલ્પ વિકલ્પથી જીવને બંધન થાય છે.આ શરીરમાં જીવ જે દ્રઢ વાસના કરે છે તે પ્રમાણે તેનો પુનર્જન્મ થાય છે.
શ્રવણ કિર્તન સ્મરણ પાદસેવન અર્ચન વંદન અને દાસ્ય..આ સાત પ્રકારની ભક્તિ મનુષ્ય પ્રયત્ન કરવાથી પામી શકે છે પરંતુ સખ્ય અને આત્મનિવેદન ભક્તિ પ્રભુ જેના પર કૃપા કરે છે તેને જ મળે છે. મનની શુદ્ધિ માટે કર્મ,મનને એકાગ્ર કરવા ભક્તિ અને સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવા જ્ઞાનની જરૂર છે.જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણે પરિપૂર્ણ થાય ત્યારે જીવ પરમાત્મા દર્શન કરી કૃતાર્થ થાય છે.જીવને ઈશ્વરનું જ્ઞાન નથી,હું કોણ છું? તેનું જ્ઞાન નથી.વિષયોમાં જીવ એવો ફસાયો છે કે હું કોણ છું? તેનો પણ વિચાર કરતો નથી તો પછી પરમાત્માનો વિચાર ક્યાંથી આવે? પુરંજન કથાનું આ રહસ્ય છે.
મમતા થઇ એટલે સમતા રહેતી નથી અને વિષમતા આવે છે.જગતને રાજી કરવું મુશ્કેલ છે.પોતાના ઘરના તમામ સદસ્યોને રાજી કરવા મુશ્કેલ છે,સર્વને સદાકાળ રાજી કરી શકાતા નથી.ભોગવેલી વસ્તુઓની અપેક્ષા રાખવી તેનું નામ આશા છે.ભોગવેલી વસ્તુને પુનઃપુનઃ યાદ કરવી તેનું નામ વાસના છે.આનંદમય પરમાત્મામાં બુદ્ધિને સ્થિર કરે તે બ્રહ્મનિષ્ઠ છે.નારિયેરમાં કાચલી અને કોપરૂં જુદાં છે છતાં જ્યાં સુધી નારિયેરમાં પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી.
શરીર એ કાચલી છે, શરીરમાં રહેલ જીવાત્મા એ કોપરા જેવો છે અને પાણી એ વિષયરસ છે.જ્યાં સુધી વિષયરસ છે,આસક્તિ છે ત્યાં સુધી આત્મા શરીરથી છુટો પડતો નથી.સતત ધ્યાન કરી જ્ઞાની લોકો જડ ચેતનની ગાંઠ છોડે છે અને આત્માનંદ પરમાનંદ લુટે છે.બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી.બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પદ-પ્રતિષ્ઠા-પૈસા સાથે પ્રેમ કરે તે ખરો જ્ઞાની નથી.
ઈશ્વર સાથે ખુબ પ્રેમ કરો તો જ કરેલા કર્મનું પુણ્ય પરમાત્માને અર્પણ કરી શકો.કર્મ કરો પણ તે કર્મની ફળ ભોગવવાની ઈચ્છા ન રાખો,નિષ્કામ કર્મ કરો.કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા રાખો તે સકામ કર્મ છે તે કર્મનું અલ્પ ફળ મળશે.સકામ કર્મમાં કાંઇક ભૂલ થાય તો તેની ક્ષમા મળતી નથી માટે નિષ્કામ કર્મ શ્રેષ્ઠ છે.ઈશ્વર સિવાય બીજા કોઈનો સાથ હશે તો ઈશ્વરભજનમાં વિક્ષેપ કરશે.જેને તપ કરવું હોય તે એકલો જ તપ કરે.હું એકલો નથી મારા ભગવાન મારી સાથે છે,ઈશ્વર સિવાય બીજા કોઈનો સાથ દુઃખી કરે છે.
જીવ માને છે હું બીજાનું રક્ષણ કરૂં છું પણ તે શું રક્ષણ કરવાનો હતો.જે પોતે જ કાળનું ભોજન છે. જીવમાં જો રક્ષણ કરવાની શક્તિ હોત તો કોઈના ઘેર મરણ થાય જ નહિ,રક્ષણ કરનાર એક જ શ્રી હરિ છે. બહુ જ પરોપકારમાં પડવું નહિ,બહુ જ પરોપકાર કરવા જતાં ઘણી વખત લક્ષ્ય ભુલાય છે અને પતન થાય છે.
પરોપકાર એ સર્વનો ધર્મ જરૂર છે પણ એવો પરોપકાર ન કરો કે જેથી પરમાત્માનું વિસ્મરણ થાય.સંસારમાં કપટ ન કરો તેવી જ રીતે અતિશય સરળ પણ ન બનો.પરમાત્માનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે પણ સ્ત્રી પુરૂષ સંસાર કે જડ વસ્તુનું ધ્યાન ન કરો.જે મિત્ર નથી તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક વખત શત્રુ થાય છે.સંસારનો આ સામાન્ય નિયમ છે.
જ્ઞાનીના બે ભેદ છે.જેણે ઉપાસના કરી જ્ઞાન મેળવ્યું છે તે કૃતોપાસ્તી જ્ઞાની છે તેને માયા સતાવતી નથી પણ જેણે માત્ર પુસ્તકો વાંચીને જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેનામાં હું જ્ઞાની છું તેવો અહમ્ રહે છે તેને માયા વિઘ્ન કરે છે.તત્વનું જ્ઞાન બંન્નેને છે પણ આત્મા-પરમાત્માનો અનુભવ વાસનાનો નાશ થયા વિના થતો નથી.વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠા થતી નથી એ ભરત ચરિત્ર બતાવે છે.પૂર્વજન્મમાં કરેલું ભજન-તપ નિષ્ફળ જતું નથી.
જેને પૈસા કમાવાની અક્કલ છે તેને લોકો ડાહ્યો સમજે છે.તન-મનને વશ કરવાની કળા જેને આવડે તેને લોકો ચતુર ગણે છે.દેહભાન ભૂલેલા મહાપુરૂષને નહી પરંતુ ચેતન-આનંદમય પ્રભુને ભૂલી સંસારસુખ માં ફસાયેલો મનુષ્ય જડ છે.વિકારવાળી સર્વ વસ્તુઓ આદિ-અંત વાળી હોય છે. જે જન્મ્યા છે તે બધા મરવાના છે.આ બધાં શરીર મુડદા સમાન છે.શરીર અને આત્મા જુદા છે.શરીરના ધર્મો જુદા છે.આત્મા નિર્લેપ છે,આત્મા દ્રષ્ટા છે, સાક્ષી છે.જ્ઞાની પુરૂષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી.સર્વ જીવોમાં પરમાત્મા છે. આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી