CM કાર્યાલયે પ્રજાહિત યોજનાઓમાં ટેકનોલોજીના ઉપયોગની વિવિધ નવી પહેલનો પ્રારંભ
ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે બુધવાર તા. 25-12ના રોજ સુશાસન દિવસના અવસરે તેમના નેતૃત્વમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયે પ્રજાહિત યોજનાઓ અને લોકોપયોગી સુવિધાઓમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગની વિવિધ નવી પહેલોનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ પહેલો અંતર્ગત ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્ષ, સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ, રેવન્યુ મોનીટરીંગ સિસ્ટમ, સી.એમ. ફેલો વેબસાઈટ, ‘સ્વર’ પ્લેટફોર્મ, ગુજરાત ઇન્ડિયા પોર્ટલનું આધુનિકીકરણનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, મુખ્યમંત્રી કાર્યાલયમાં લીધેલા આ બધા જ ઈનિશિએટિવ્ઝ જનહિતકારી શાસન દાયિત્વ નિભાવવાની પ્રતિબદ્ધતા સાથે શરૂ થયા છે.
તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલીનો સંદર્ભ આપતાં ઉપસ્થિત અધિકારીઓ, કર્મયોગીઓને પોતાને સોંપાયેલી કામગીરીનું સતત મૂલ્યાંકન-અવલોકન કરતા રહેવા અને ઉત્કૃષ્ટ યોગદાનથી રાજ્ય સરકારનું ગૌરવ વધારતા રહેવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ગત વર્ષ 2023ના સુશાસન દિવસે વાધવાણી ઇન્સ્ટિટ્યૂટ અને સી.એમ.ઓ. વચ્ચે ડેટા ડ્રિવન ગવર્નન્સ અને ડેટા ક્વોલિટી સુધરે અને ડેશબોર્ડ તથા અન્ય જગ્યાએ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ લાગુ કેવી રીતે કરી શકાય તે માટે બે વર્ષના એમ.ઓ.યુ. થયા હતા. તેના ભાગરૂપે એક વર્ષમાં થયેલી કામગીરીનો અહેવાલ પણ મુખ્યમંત્રીશ્રીને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.