Western Times News

Gujarati News

ચૂંટણી પૂર્વે દિલ્હીમાં આપ-ભાજપ વચ્ચે ઘમાસાણ

નવી દિલ્હી, દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ હજી જાહેર પણ નથી થઈ તે પહેલાં જ દિલ્હીની શાસક આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સામસામે આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે.

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપ પર મહિલાઓને રોકડ રકમ વહેંચી લલચાવવાનો આક્ષેપ મુકી તેમની ધરપકડની માગ કરતા દેશની રાજધાનીના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો હતો.

આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, ભાજપના પૂર્વ સાંસદ પ્રવેશ વર્માના વિન્ડસર પ્લેસ ખાતે આવેલા નિવાસસ્થાને દરેક ગરીબ મહિલાને શ્૧૧૦૦ રોકડાં અપાઈ રહ્યાં છે અને તેમના મતદાર કાર્ડની વિગતો નોંધવામાં આવી રહી છે.

જોકે વર્માએ તેમની સામે દિલ્હીના મુખ્યમંત્રીએ કરેલાં આક્ષેપોને ફગાવી દીધાં હતાં.આતિશીએ જણાવ્યું હતું કે, વર્માના બંગલામાં કરોડો રૂપિયા રાખવામાં આવ્યાં છે. જેમાંથી ‘આપ’ના વડા અરવિંદ કેજરીવાલના મતવિસ્તાર નવી દિલ્હીના મહિલા મતદારોને નાણાં વહેંચવામાં આવી રહ્યાં છે.

દિલ્હી પોલીસ, સીબીઆઈ તથા ઈડીએ વર્માના બંગલા પર દરોડા પાડવા જોઈએ. વર્માની ધરપકડ માટે આમ આદમી પાર્ટી પોલીસ અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે પણ આતિશીના આક્ષેપોને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, તેમના મતવિસ્તારના લોકોને નાણાં વિતરીત કરાઈ રહ્યાં છે.

વર્માએ જણાવ્યું હતું કે, તેમના પિતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત સાહિબ સિંહ વર્મા દ્વારા શરૂ કરાયેલ સ્વૈચ્છિક સંસ્થા ‘રાષ્ટ્રીય સ્વાભિમાન’ના અભિયાન હેઠળ આ નાણાં વિતરીત કરાયાં હતાં. જેમાં ગરીબ વર્ગની મહિલાઓને દર મહિને રૂ.૧૧૦૦ની નાણાકીય સહાય અપાય છે. હું કેજરીવાલની જેમ દારૂ નથી વેચતો. તેમની સંસ્થા વર્ષાેથી લોકસેવાના કાર્યાે કરે છે.

સંસ્થાએ ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ બે ગામોમાં અને ઓડિશાના વાવાઝોડાં બાદ ચાર ગામોમાં પુનઃનિર્માણની કામગીરી બજાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.