ચેનપુર રેલવે અંડરબ્રિજ પૂરો થતાં લોકોને 2 કિલોમીટર ફરીને જવું નહિં પડે
ચેનપુર અંડરપાસ જાન્યુઆરીમાં ખુલ્લો મુકાશે-૧.૫૦ લાખ નાગરિકો ને ફાયદો થશેઃ દેવાંગ દાણી
રેલ્વે અંડરબ્રીજ બનાવવાની કામગીરીના કારણે ન્યુ રાણીપ અને જગતપુર થઈને જનારા લોકોને બે કિલોમીટર જેટલું ફરીને જવું પડતું હતું.
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના ચેનપુર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી રેલવે અંડરબ્રિજની કામગીરી ચાલી રહી છે. આ અંડરબ્રિજની કામગીરી આગામી ૧૦ જાન્યુઆરીએ પૂરી થતાં ઉત્તરાયણ પહેલાં આ બ્રિજ નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ફાટક મુક્ત અભિયાન અંતર્ગત શહેરમાં વિવિધ જગ્યાએ આવેલા ફાટકો પર રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે મળી અંડરબ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. શહેરના ચેનપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ૩.૧૫ કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે જેની ૯૭ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં આ કામગીરી પૂર્ણ થઇ જશે.
એસજી હાઇવે તરફ જવા માટે લોકોનો સમય પણ બચશે. ઉત્તરાયણ પહેલાં આ બ્રિજ નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે.બ્રિજની બાજુમાં આવેલો ફાટક અને રોડ હાલ બંધ હોવાના કારણે હજી પણ ન્યુ રાણીપ અને જગતપુર થઈને જનારા લોકોને બે કિલોમીટર જેટલું ફરીને જવું પડે છે. ચેનપુર અંડરબ્રિજ શરૂ થતાની સાથે જ રાણીપ, ન્યુ રાણીપ થઈને એસજી હાઇવે તરફ જનારા ૧.૫૦ લાખ જેટલા લોકોને લાભ થશે.
AMC અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે છેલ્લાં બે વર્ષથી ચેનપુર રેલવે અંડરબ્રિજની કામગીરીને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. રેલ્વે અંડરબ્રીજ બનાવવાની કામગીરીના કારણે ન્યુ રાણીપ અને જગતપુર થઈને જનારા લોકોને બે કિલોમીટર જેટલું ફરીને જવું પડતું હતું.