અમદાવાદમાં ર૯ ડિસેમ્બરે વિશ્વ ઉમિયાધામ દ્વારા બાઈક અને કાર રેલીનું આયોજન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/Umiyadham.jpg)
જાસપુરમાં આવેલા વિશ્વ ઉમિયાધામમાં બાબા બાગેશ્વરની કથા માટે તડામાર તૈયારીઓ, લાખો ભક્તો પધારશે
ગાંધીનગર, અમદાવાદના જાસપુરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઉમિયાધામ ખાતે તા.૩ થી ૬ જાન્યુઆરીના રોજ બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીની દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તે પ્રસંગે લાખો ભક્તો અને શ્રોતાઓ હાજર રહેવાના હોવાથી કથા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે નિમિત્તે તા.ર૯ ડિસેમ્બરે અમદાવાદ શહેરમાં ભવ્ય બાઈક અને કાર રેલી યોજવામાં આવી છે.
વિશ્વભરમાં સનાતન ધર્મ અને જગત જનની મા ઉમિયા આસ્થાને ઉજાગર કરવાના ઉદેશ્ય સાથે કામ કરતી સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આગામી જાન્યુઆરી મહિનામાં સનાતન પર્વની ઉજવણી કરાઈ રહી છે.
જેમાં વિશ્વપ્રસિદ્ધ બાબા બાગેશ્વરધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રીજી અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયાધામ મંદિરમાં દિવ્ય હનુંમત કથાનું રસપાન કરાવશે. હનુમંત કથાના આયોજનના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં ૧૦૦૦થી વધુ ઉમાસેવકો અને વિશ્વ ઉમિયા ધામના ટ્રસ્ટીઓ તેમજ તમામ કમિટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથા અંગે વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા એવમ પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે દિવ્ય હનુમંત કથા એ સમગ્ર સનાતન સમાજ માટે ખૂબ જ મહત્વનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં તમામ લોકો સહભાગી થઈ જગતજનની માં ઉમિયા આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાની છે. આ નિમિત્તે અમદાવાદ શહેરમાં ર૯ ડિસેમ્બર ર૦ર૪ના રોજ ભવ્ય બાઈક અને કાર રેલી નીકળશે.