Western Times News

Gujarati News

બેન્કો ક્રેડિટ કાર્ડનાં બાકી લ્હેણાં પર ૩૦%થી વધુ વ્યાજ વસૂલી શકે: SC

રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચના ચુકાદાને રદ કર્યાે

વ્યાજદર પર મર્યાદા લાદવાનો પણ આરબીઆઇને આદેશ આપવાનો સવાલ ઊભો થતો નથી

નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે ૧૬ વર્ષ જૂના રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ કમિશન (NCDRC)ના ચુકાદાને રદ કરતાં બેન્કો તેના ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડના બાકી લેણા પર ૩૦ ટકાથી વધુ વ્યાજ વસૂલ કરી શકશે. NCDRCએ અતિશય ઊંચા વ્યાજ દરો વસૂલવાની બેન્કોની પ્રથાને ગેરવાજબી ઠેરવી હતી. ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે જણાવ્યું હતું કે વાર્ષિક ૩૦ ટકાથી વધુ વ્યાજદર એક અયોગ્ય વેપાર પ્રથા છે, તેવું NCDRCનું અવલોકન ગેરકાયદે છે.આ અવલોકન ભારતીય રિઝર્વ બેંકની સત્તામાં પણ દખલગીરી સમાન છે. NCDRCનો ચુકાદો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ના કાયદાકીય ઉદ્દેશ્યની વિરુદ્ધમાં છે.

NCDRC પાસે બેંકો અને ક્રેડિટ કાર્ડધારકો વચ્ચેના કરારની શરતોને ફરીથી લખવાનો કોઈ અધિકાર નથી. સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે બેંકોએ ક્રેડિટ કાર્ડધારકોને છેતરવા માટે કોઈપણ રીતે ખોટી રજૂઆત કરી ન હતી. અમે રિઝર્વ બેન્કની એવી રજૂઆત સાથે સંમત છીએ કે હાલના કેસમાં કોઇ બેન્ક સામે કાર્યવાહી કરવાનો આરબીઆઇને આદેશ આપવાનો સવાલ ઊભો થતો નથી.વ્યાજદર પર મર્યાદા લાદવાનો પણ આરબીઆઇને આદેશ આપવાનો સવાલ ઊભો થતો નથી.

સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ક્રેડિટ કાર્ડ સુવિધાનો લાભ લેતી વખતે ગ્રાહકોને વ્યાજના દર સહિત સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતોથી વાકેફ કરાયાં હતાં અને તેઓ બેંકો દ્વારા જારી કરાયેલી શરતોથી બંધાયેલા રહેવા સંમત થયાં હતાં. આરબીઆઇએ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઇ બેન્કે આરબીઆઇના નીતિવિષયક આદેશની વિરુદ્ધમાં કામ કર્યું હોવાના પણ કોઇ પુરાવા નથી. સિટીબેંક, અમેરિકન એક્સપ્રેસ, એચએસબીસી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે NCDRCના ૭ જુલાઈ ૨૦૦૮ના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.