બજેટને લઇને આજે હલવા સેરેમનીઃ પ્રિન્ટિંગ શરૂ થશે
નાણામંત્રી સીતારામન પોતે કાર્યક્રમનું નેતૃત્વ કરનાર છે -પરંપરાગતરીતે નોર્થ બ્લોકમાં કાર્યક્રમ થશે
નવી દિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટ પહેલાની પરંપરાના ભાગરુપે આવતીકાલે હલવા સેરેમનિનું આયોજન કરવામાં આવનાર છે જેનું નેતૃત્વ નાણામંત્રી કરનાર છે. નોર્થ બ્લોકમાં યોજાનાર આ સેરેમનિમાં નાણામંત્રી સહિત નાણામંત્રાલયના અધિકારી અને કર્મચારીઓ ઉપÂસ્થત રહેશે.
આ કાર્યક્રમની સાથે જ આશરે ૧૦૦ કર્મચારીઓના બજેટ રજૂ થવા સુધી નોર્થ બ્લોકથી નિકળવાનું બંધ થઇ જશે. હલવા સેરેમનિ સત્તાવારરીતે બજેટ પ્રિન્ટિંગની શરૂઆત તરીકે ગણવામાં આવે છે. બજેટ રજૂ કરવામાં આવે તેના થોડાક દિવસ પહેલા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે બજેટને અંતિમરુપ આપવાથી થોડાક દિવસ પહેલા નોર્થ બ્લોકમાં નાણામંત્રાલયની ઓફિસમાં હલવાનું નિર્માણ કરવામાં આવે છે. નાણામંત્રી પોતે આ કાર્યક્રમમાં ભાગ લે છે. હલવો તૈયાર કરવાની પ્રક્રિયા એક પરંપરાના ભાગરુપે છે.
આની પાછળ કારણ એ છે કે, હલવાને ખુબ શુભ ગણવામાં આવે છે. શુભ કામની શરૂઆત ગળી ચીજ સાથે કરવામાં આવે છે. બજેટના તમામ દસ્તાવેજ ટોચના અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવનાર તમામ કોમ્પ્યુટરને બીજા નેટવર્કથી ડિલિંક કરવામાં આવે છે. બજેટ પર કામ કરી રહેલા ૧૦૦થી વધુ લોકો આશરે બેથી ત્રણ સપ્તાહ સુધી નોર્થ બ્લોક ઓફિસમાં રહે છે. કેટલાક દિવસ તેમને બહાર જવાની મંજુરી આપવામાં આવતી નથી. આવતીકાલે બજેટ દસ્તાવેજાની પ્રિન્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.