Western Times News

Gujarati News

ગુજરાતમાં સૌપ્રથમ વખત 50 દિવ્યાંગો ગાંડી ગીરને ખુંદી વળ્યાં, સોમનાથ દાદાના દર્શન કર્યાં

અપેક્ષા ફાઉન્ડેશનનું સફળ આયોજન

અમદાવાદ, સમગ્ર ગુજરાતમાં નિરાધાર દિવ્યાંગો માટે કાર્યરત અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. ‘ગાંડી ગીરની ગોદમાં, દિવ્યાંગો મોજમાં’ નામના અર્થસભર ગીર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા દિવ્યાંગોએ 2 દિવસ સુધી ગીરમાં રહી દેવળિયા પાર્ક સફારી, સોમનાથ દાદાના દર્શન અને જંગલ વચ્ચે રહી મોજ માણી હતી તેમજ સાસણ ગીરને ખુંદી વળ્યા હતા.

પ્રકૃતિની મહેક કેવી હોય, પ્રાણીઓના અવાજ કેવા હોય, પશુઓનો કલરવ કેવો હોય… આ બધી વસ્તુનો અનુભવ જીવનમાં પહેલીવાર કરનાર દિવ્યાંગો ખરેખર પ્રવાસ પછી ખુબ ખુશ હતા. દરેક લોકોના ચહેરા પર એક અનોખું જ સ્મિત હતું. ગીરની રઢિયાળી સાંજમાં પ્રકૃતિના સુર સાથે દિવ્યાંગોએ પોતાના સુર રેલી અનોખું આલ્હાદાયક વાતાવરણ ઉભું કર્યું હતું. તો વળી ડીજે નાઈટમાં ડાન્સ અને ગરબાની રમઝટ પણ બોલાવી હતી.

અપેક્ષા ફાઉન્ડેશનના આ આયોજનમાં લાભ લેનારા દિવ્યાંગો એવા હતા કે જેઓ એકદમ નિરાધાર છે. કાં તો કોઈ લીફ્ટ મેનની નોકરી કરે છે કાં તો કોઈ બીજાને ત્યાં કચરા પોતા કરવા જાય છે. કોઈ છુટક મજુરી કરે છે અથવા તો કોઈનું શરીર કામ કરી શકે એટલું સક્ષમ જ નથી.

ત્યારે આવા નિરાધાર અને દિવ્યાંગ મિત્રો માટે ગીરનો પ્રવાસ કે સોમનાથ દાદાના દર્શન આર્થિક રીતે પરવડે એ વાત શક્ય નથી લાગતી. જેથી અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આ આયોજન કરી સૌને આજીવન યાદ રહે એવી અનુભૂતિ કરાવી હતી. આ આયોજનમાં દાતાઓએ પણ ખુલ્લા દિલે આર્થિક દાન આપી સહયોગ આપ્યો હતો. તેમજ સ્વયંસેવકોએ પણ અહમ ભુમિકા નિભાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.