બાપુનગરમાં બે શખ્સોએ AMCની જમીન પર પાકા મકાનો બનાવી દીધા
        પ્રતિકાત્મક
અમદાવાદ મ્યુ.કોર્પો.ની જમીન પરના બાંધકામો તોડી પડાયાં-ડીસીપી, એસીપી, પીઆઈ સહિત ૪૦૦ પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મેગા ડિમોલિશન હાથ ધર્યું
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની જમીન પર ગેરકાયદે મકાન બનાવીને વસવાટ કરતા રીઢા ગુનેગારોને પોલીસ તેમજ એએમસીની ટીમે પોતાનો પાવર બતાવી દીધો છે.
AMCની ટીમે પોલીસ જાપ્તા વચ્ચે ગેરકાયદે ઊભા કરેલા મકાનો પર હથોડા ઝીંકી દીધા છે. આ પહેલાં પણ કોર્પોરેશનની ટીમે ડિમોલિશન કરીને ગેરકાયદે બાંધકામ તોડી નાંખ્યા હતા. આજે ડીસીપી, એસીપી, પીઆઈ સહિત ૪૦૦ પોલસ કર્મચારીઓ વચ્ચે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે આરોપીઓના બે મકાન તોડી નાંખ્યા હતા.
બાપુનગર-રખિયાલ વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં અમુક માથાભારે શખ્સો હાથમાં હથિયાર લઈને રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા અને તેમાંથી અમુક માથાભારે શખ્સો હાથમાં હથિયાર લઈને રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા અને તેમાંથી અમુક શખ્સોએ ધમકી આપીને પોલીસકર્મીઓને તેમના વાહનમાં બળજબરીપૂર્વક બેસાડીને રવાના કરી દીધા હતા.
આ ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપી સમીર શેખ, આફતાબ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ એમ તમામની ઘટનાસ્થળ પર ધરપકડ કરીને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જાહેરમં જનતા સમક્ષ માફી પણ મંગાવી હતી.
બાપુનગરમાં પોલીસ પર જાહેરમાં હુમલો કરીને સિસ્ટમને પડકારનાર શખ્સ ફઝલ અને આફતાબ શેખે મ્યુનિસિપલ કોર્પોરેશનની પચાવી પાડેલી જગ્યામાં ગેરકાયદે પાકા મકાનો બનાવી દીધા હોવાના આક્ષેપ થયા હતા. ત્યારબાદ કોર્પોરેશનની ટીમ સફાળી જાગી હતી અને તરત જ અકબરનગરના છાપરા વિસ્તારમાં બન્ને ભાઈઓના ગેરકાયદે મકાન પર બુલડોર ફેરવી દેવાયું હતું.
પોલીસ અને એએમસીએ પોતાનો પાવર બતાવ્યો હતો જ્યારે હજુ પણ મકાનો તોડવાના બાકી હતા. આજે સવારે બાપુનગર, રખિયાલ, અમરાઈવાડી રામોલ, ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિત ૪૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વહેલી સવારથી ગરીબનગર ચાર રસ્તાને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. ત્યારબાદ કોર્પોરેશનની ટીમે ડિમોલિશન હાથ ધર્યું હતું. આરોપીઓના બે મકાનો પર હથોડા ઝીંકી તેને તોડી નાંખવામાં આવ્યા હતા.
પોલીસ કર્મીઓને ડરાવનારા લુખ્ખાઓ રખિયાલના ગરીબનગર ચાર રસ્તા પાસે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) ઓફિસની પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં આવેલા અકબરનગરના છાપરામાં રહેતા હતા. આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બનાવી દીધા હોવાની સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ મહાનગરપાલિકાએ બન્ને આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું.
મકાન ખાલી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે નોટિસ આપી હતી. તે છતાંય કોઈએ મકાન ખાલી કર્યા નહીં અને અંતે આજે હથોડા ઝીંકાયા હતા. કોર્પોરેશનની કામગીરીમાં દખલગીરી કરતી કેટલીક મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. જો કે, મહિલા પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી.
અકબરનગરના છાપરાના ઝૂપડાં ગુનેગારનું હબ બની ગયા હતા. જેમાં અસામાજિક પ્રવૃત્તિઓ ખૂબ ચાલી રહી છે.
દારૂ, જુગાર, અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ત્યાંથી થતી હોવાના કારણે સર્વે અધૂરો રહી ગયો હતો. થોડા દિવસ પહેલાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગુનેગારોના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા મકાન ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે એક ઘરમાંથી દેશી તમંચો મળ્યો હતો. જેને પોલીસ દ્વારા કપડામાં વીંટાળીને લઈ જવામાં આવ્યો હતો. જો કે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીઓએ પોતાની સુરક્ષા માટે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે પોલીસની રેડ પરડે ત્યારે સીસીટીવીમાં તમામ દૃશ્યો કેદ થઈ જાય તે માટે લગાવાયા હતા. આજે હથોડા ઝીંકાતા આરોપીઓના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવેલા સામે આવી ગયા હતા.
