Western Times News

Gujarati News

સિક્યુરીટી ગાર્ડે જ સાઉથ બોપલના શો-રૂમમાં 50 લાખના દાગીનાની લૂંટ કરવા ટીપ આપી હતી

સાઉથ બોપલ જ્વેલર્સ લૂંટ કેસમાં લૂંટારૂઓને ઝડપી લેવા પોલીસે ર૦૦થી વધુ સીસીટીવીના ફૂટેજ તપાસ્યા-કનકપુરા જ્વેલર્સમાં રૂ.પ૦ લાખથી વધુ સોના-ચાંદીનાં દાગીનાંની લૂંટ થઈ હતી

અમદાવાદ, અમદાવાદના છેવાડે આવેલા સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના શો-રૂમમાં ચાર લૂંટારૂઓએ પ૦ લાખથી વધુ રૂપિયાના દાગીનાની લૂંટ કરીને નાસી જતાં ચકચાર મચી ગઈ હતી.

સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ પેઢીમાંથી 50 લાખથી વધુ દાગીનાની થયેલી લૂંટનો ભેદ ઉકેલવાના મામલે પોલીસે યુપીથી લૂંટારાઓ સહિત કુલ 10 આરોપીની અટકાયત કરી છે. યુપીથી ઝડપાયેલા આરોપીઓને અમદાવાદ લાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારાઓને લૂંટ માટે જ્વેલર્સ પેઢી નજીક જ ફરજ બજાવતા એક સિક્યોરિટી ગાર્ડે ટિપ આપી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત પોલીસની ટીમે 4 દિવસમાં જ લૂંટારાઓને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા અને 10 લોકોની અટકાયત કરી હતી અને અને લૂંટમાં સંડોવાયેલા ચાર મુખ્ય આરોપીઓને યુપીથી દબોચી લીધા છે અને તેને અમદાવાદ લાવવાની કાર્યવાહી કરી રહ્યા છે.

અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા શાલિગ્રામ પ્રાઇમમાં કનકપુરા જ્વેલર્સ નામનો શો-રૂમ ભરતભાઈ લોઢિયા તથા મનસુખભાઈ ભાગીદારીમાં ચલાવે છે. ગુરુવારે( 2 જાન્યુઆરી) બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેઓ હાજર હતા ત્યારે ત્રણ વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, જ્યારે એકે હેલ્મેટ પહેર્યું હતું. પહેલા દાગીના ખરીદવા છે તેમ કહીને અંદર ઘૂસ્યા હતા. ગણતરીની મિનિટમાં લૂંટારાઓએ બંદૂકના નાળચે 50 લાખથી વધુના સોનાચાંદીના દાગીનાની લૂંટ કરીને નાસી છૂટ્યા હતા. લૂંટારુઓએ શો-રૂમમાં ઘૂસીને ભરતભાઇ અને મનસુખભાઇના મોબાઇલ ફોન ઝૂંટવી લીધા હતા.

લૂંટારૂઓના કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, તેમને ઝડપી પાડવા માટે પોલીસે એડિચોટીનું જોર લગાવ્યું છે. અમદાવાદ જિલ્લા પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા માટે ર૦૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.

શહેરના પોશ ગણાતા અને ટ્રાફિકથી ધમધમાટ વિસ્તારમાં લૂંટારૂઓ બિનદાસ્ત લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ પોતાના ખિસ્સા અને થેલી દાગીનાથી ભરતા જોવા મળ્યા હતા. લૂંટારૂઓએ કુલ પ૦ લાખની લૂંટ કરી હતી જેમાં ૧.ર કિલો સોનું અને ત્રણ ચાર કિલો ચાંદીનો સમાવેશ થાય છે.

સાઉથ બોપલમાં આવેલા કનકપુરા જ્વેલર્સમાં ગઈકાલે ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી હતી. ચાર લૂંટારૂઓએ બંદૂકના નાળચે વેપારીને બંધક બનાવી લૂંટને અંજામ આપતાં ખળભળાટ મચી ગયો છે. સાઉથ બોપલમાં આવેલા કનકપુરા જ્વેલર્સમાં બપોરના સમયે ચાર લૂંટારૂઓ આવ્યા હતા જેમાંથી એક લૂંટારૂ દુકાનની બહાર ઊભો રહ્યો હતો. જ્યારે ત્રણ લૂંટારૂઓ દુકાનમાં ઘૂસ્યા હતા અને વેપારીને બંદૂક બતાવી બંધક બનાવ્યો હતો અને લૂંટ ચલાવી હતી.

જ્યારે જાહેર રોડ ઉપર પણ સીસીટીવી કેમેરા હશે. સીસીટીવી ફૂટેજમાં પોતાના મોઢા આવી ના જાય તે માટે લૂંટારૂઓએ હેલ્મેટ પહેરી હતી અને મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો. લૂંટના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં લૂંટારૂઓ આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના વીણતા જોવા મળી રહ્યા છે. આ તમામ દાગીના લૂંટારૂઓએ પોતાના ખિસ્સા અને થેલીમાં ભરી લીધા હતા.

સાઉથ બોપલમાં જ્યાં આ લૂંટનો બનાવ બન્યો છે તેનાથી થોડા અંતરે એસપી રીંગ રોડ આવેલો છે. લૂંટ ચલાવ્યા બાદ લૂંટારૂઓએ આરામથી નાસી જવાય તે માટે સાઉથ બોપલનો વિસ્તાર પસંદ કર્યો હતો. લૂંટારૂઓએ પહેલાં બે કલાક રેકી કરી હતી. ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

તે પછી તેઓ શાંતિથી નીકળી ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, સાઉથ બોપલમાં જ્યાં આ લૂંટનો બનાવ બન્યો છે. એનાથી બે કિલોમીટરના અંતરે જ બોપલ પોલીસ સ્ટેશન આવેલું છે. ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ એ પહેલાં જ લૂંટારૂઓ લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.