વૈશ્વિક ગુજરાતી સંગઠનના ઉપક્રમે AMA ખાતે સેલ્યૂટ ઇન્ડિયા એવોર્ડ એનાયત સમારંભ યોજાશે
અમદાવાદની કેના કોશિષભાઈ શાહ (જાપાન, યુવા પ્રતિભા)ને તથા અન્ય પ્રતિભાઓને એવોર્ડ એનાયત કરાશે.
અમદાવાદ, ગ્લૉબલ ગુજરાતી ફેડરેશન એટલે કે વૈશ્વિક ગુજરાતી સંગઠનના ઉપક્રમે આગામી 11મી જાન્યુઆરી, 2025 ,શનિવારે સવારે 10 કલાકે એએમએમાં સેલ્યૂટ ઇન્ડિયા એવોર્ડ એનાયત સમારંભ યોજાશે.
આ સમારંભમાં દરિયાપાર તથા ભારતની કેટલીક વ્યક્તિવિશેષનું સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ આપીને અભિવાદન કરાશે. સંસ્થાના સ્થાપક પ્રમુખ રમેશ તન્નાએ જણાવ્યું છે કે આ સમારંભમાં પૂજ્ય ભાગવત ઋષિ શાસ્ત્રીજી, (સોલા ભાગવત વિદ્યાપીઠ), શ્રી ઋષિકેશ પટેલ (આરોગ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય), શ્રીમતી પ્રતિભા જૈન, (મેયર, અમદાવાદ) પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્યસચિવ શ્રી રમેશ મેરજા (આઈએએસ) તથા માનવતાવાદી તબીબ ડૉ. સ્મિતા જોશી ઉપસ્થિત રહેશે.
આ સમારંભમાં ડૉ. મીતા પીર (પેન્સેવેલિયા-અમેરિકા), હેમાબહેન શેઠ- ભગિની સમાજ- દાહોદ, રેખાબહેન ગાંધી- ઈન્દોર, અશોક ભટ્ટ (લોસ એન્જેલસ), તેજસ પટવા (એટલાન્ટા), ડૉ. વાસુદેવ પટેલ (એટલાન્ટા), ડૉ.પ્રતિભા આઠવલે, (ગુજરાત), પ્રકાશ પટેલ-પીવી (હ્યુસ્ટન- અમેરિકા), ભાવિક શાહ (જાપાન), રાજેન્દ્ર પરમાર (જાપાન), દેવેનભાઈ પટેલ (અમેરિકા), તથા કેના કોશિષભાઈ શાહ (જાપાન, યુવા પ્રતિભા)ને એવોર્ડ એનાયત કરાશે.
વિદેશમાં વસતા આશરે બે કરોડ એનઆરઆઇ સમુદાયમાં 35% જેટલા ગુજરાતીઓ છે. વિશ્વના 195 દેશોમાંથી 129 દેશમાં ગુજરાતીઓ વસવાટ કરે છે. દરિયાપારના ગુજરાતીઓનો વતન પ્રેમ હંમેશાં લીલોછમ હોય છે. તેઓ ગુજરાતના ઉત્થાનમાં પણ વિવિધ રીતે મદદ કરે છે. તેમની પ્રતિભા અને ભાવનાને બિરદાવા માટે સને 2014થી નિયમિત રીતે સેલ્યૂટ ઇન્ડિયા એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ગ્લૉબલ ગુજરાતી ફેડરેશન સંસ્થા એનઆરજી સમુદાય સાથે કાર્ય કરે છે.
સંસ્થા દ્વારા 10મી જાન્યુઆરી, 2025, શુક્રવારે સવારે આઠથી દસ દરમિયાન એએમએમાં જ એક એક્ચ્યૂઅલ અને વર્ચ્યૂઅલ યુવા સંમેલનનું પણ આયોજન કરાયું છે. જેમાં દરિયાપાર વસતી યુવાપેઢીને ગુજરાતના ઉત્થાન સાથે જોડવાનું આયોજન કરાશે. દરિયાપારના કેટલાક યુવાનો તથા સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ વિજેતાઓ સ્વામી વિવેકાનંદના જન્મદિવસે, 12મી જાન્યુઆરી, 2025, રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત પણ કરશે.