સુપરસ્ટાર કલ્ચર ટીમને આગળ નહીં લઈ જાય, પ્રદર્શન મહત્વનું છેઃ હરભજન
મુંબઈ, ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સફળ ઓફ સ્પિનર હરભજનસિંઘે ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા સામેના કંગાળ પ્રદર્શનથી નારાજગી વ્યક્ત કરી હતી અને બીસીસીઆઈને અરજ કરી હતી કે ટીમમાં સુપરસ્ટાર કલ્ચરનો અંત લાવો અને માત્ર પ્રદર્શન આધારિત પસંદગી કરો.
હરભજનસિંઘે ભવિષ્યની સિરીઝ કે ટુર્નામેન્ટ માટે ટીમની પસંદગી થાય ત્યારે જે તે ખેલાડીની પ્રતિષ્ઠા નહીં પરંતુ તેના પ્રદર્શનને ધ્યાનમાં લેવામાં આવે તેવી અરજ કરી હતી.ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રવિવારે સિડનીમાં ભારતના પરાજય સાથે ૧-૩થી થયેલા પરાજય બાદ હરભજને આ કોમેન્ટ કરી હતી.
એક દાયકા બાદ ભારતે આ ટ્રોફી ગુમાવી હતી. આ સિરીઝમાં પર્થ ખાતેની પ્રથમ ટેસ્ટ ભારતે બુમરાહની આગેવાનીમાં જીતી હતી પરંતુ ત્યાર બાદની ચારેય ટેસ્ટમાં ભારતનો દેખાવ કંગાળ રહ્યો હતો.હરભજને પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ટીમમાં હવે સુપરસ્ટાર કલ્ચર વિકસી રહ્યું છે.
જ્યારે હકીકત એ છે કે આપણને સુપર સ્ટાર જોઈતા નથી પરંતુ એવા ખેલાડીની જરૂર છે જે પ્રદર્શન કરતા હોય. જો પ્રદર્શન કરનારા ખેલાડી ટીમમાં હશે તો ટીમ આગળ ધપશે. જેઓ સુપરસ્ટાર બનવા માગતા હોય તેમણે ઘરે જ રહેવું જોઇએ અને ત્યાં જ રમવું જોઇએ.ઇંગ્લેન્ડનો પ્રવાસ આવી રહ્યો છે. હવે દરેક વ્યક્તિ ઇંગ્લેન્ડમાં શું બનશે તે અંગે ચર્ચા કરવાની શરૂઆત કરી દેશે.
કોણ જશે, કોણ નહીં જાય તે અંગે ચર્ચા થશે. મારા માટે આ સરળ બાબત છે. જે ખેલાડી સારો દેખાવ કરી રહ્યો છે તે ઇંગ્લેન્ડ જશે. તમે કોઈ ખેલાડીને માત્ર તેની પ્રતિષ્ઠાને કારણે પસંદ કરી શકો નહીં તેમ હરભજને તેની યૂટ્યૂબ ચેનલ પર જણાવ્યું હતું.આમ કહીને તેણે ઉમેર્યું હતું કે જો આમ જ હોય અને સ્ટાર્સને જ પસંદ કરવાના હોય તો તમારે કપિલદેવ કે અનીલ કુંબલેને પસંદ કરવા જોઇએ.
આમ આ મામલે બીસીસીઆઈ અને તેના પસંદગીકારોએ મજબૂત બનીને આકરા નિર્ણય લેવા પડશે. મને નથી લાગતું કે સુપરસ્ટાર અભિગમ ટીમને આગળ લઈ જઈ શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સદંતર નિષ્ફળ રહ્યા હતા.
આ સિરીઝમાં પરાજયને કારણે ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તો ગુમાવી હતી પરંતુ સાથે સાથે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની રેસમાંથી પણ બહાર નીકળી ગયું હતું.વિરાટ કોહલીએ પાંચ મેચમાં એક સદી ફટકારી હતી પરંતુ તે કુલ મળીને માત્ર ૧૯૦ રન કરી શક્યો હતો.
મોટા ભાગની ઇનિંગ્સમાં તે ઓફ સ્ટમ્પની બહાર જતાં બોલને રમવા જતાં સ્લીપમાં અથવા તો વિકેટકીપરના હાથમાં ઝડપાઈ જતો જોવા મળ્યો હતો.હરભજનનું માનવું છે કે ફોર્મ ગુમાવી બેઠેલા ખેલાડીઓએ ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં રમવું જોઇએ અને તેનાથી ફોર્મ પરત મેળવીને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે દાવો રજૂ કરવો જોઇએ.SS1MS