ઓસી. સામે હાર બાદ મોહમ્મદ શમીની ગેરહાજરી અંગે સવાલો ઉઠ્યા
સિડની, ભારતનો મોખરાનો ઝડપી બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાક સમયથી ઇજાને કારણે ટીમની બહાર છે અને તેના ટીમમાં સમાવેશ અંગે રાહ જોવાઈ રહી છે પરંતુ તેની ઇજાના મેનેજમેન્ટ દ્વારા હજી સુધી તેને મંજૂરી અપાઈ નથી.
આ અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમને તેની ખૂબ જરૂર હતી અને તેમાં ભારતનો કારમો પરાજય થયો હતો. રવિ શાસ્ત્રી અને રિકી પોન્ટિંગ જેવા ભૂતપૂર્વ ક્રિકેટર્સે તેની ઇન્જરી મેનેજમેન્ટ અંગે સવાલો કર્યા છે.
બંનેનું માનવું છે કે કમસે કમ સિડની ટેસ્ટમાં શમી હાજર હોત તો પરિણામ અલગ આવ્યું હોત.સિડની ખાતે રમાયેલી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતનો છ વિકેટે પરાજય થયો હતો. ત્રીજા દિવસે ઘાયલ જસપ્રિત બુમરાહ બોલિંગ કરી શક્યો ન હતો અને તેને કારણે ભારતીય બોલર્સ લડત આપી શક્યા ન હતા.
ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે એ દિવસે બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી ભારતીય ટીમમાં હોત તો કદાચ પરિસ્થિતિમાં ફરક પડી ગયો હોત. સિડનીના પરાજય સાથે ભારતે એક દાયકા સુધી જાળવી રાખેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવવાનો વારો આવ્યો હતો.
મોહમ્મદ શમીને કોણીની ઇજા હતી અને તેમાંથી સાજા થયા બાદ તે બંગાળની ટીમ માટે રણજી ટ્રોફી, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફી આમ રમતના ત્રણેય ફોર્મેટમાં રમ્યો હતો. આમ તેણે મેચ ફિટનેસ પણ પુરવાર કરી દીધી હતી.
માત્ર ફિટનેસ જ નહીં પરંતુ તેણે પ્રભાવશાળી બોલિંગ પણ કરી હતી અને સાથે સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં વિલંબથી પ્રવેશ માટેની આશા જગાવી હતી.
પરંતુ મેલબોર્ન ખાતેની ચોથી ટેસ્ટ અગાઉ તેના ઢીંચણ પર સોજો છે તેવા કારણસર બીસીસીઆઈની મેડિકલ ટીમે તે સિરીઝમાં રમી શકશે નહી તેમ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું. જોકે રવિ શાસ્ત્રી અને રિકી પોન્ટિંગ બંનેનું માનવું છે કે શમીને ઓસ્ટ્રેલિયા મોકલી શકાયો હોત.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રમાણિકતાથી કહું તો મોહમ્મદ શમી સાથે જે કાંઈ થયું તે વિશે મીડિયાને જે રીતે માહિતગાર કરાયું હતું તે જોઇને મને આશ્ચર્ય થયું હતું. રિકવરી થઈ રહી હતી ત્યારે શમી ક્યાં હતો? તે કેટલા સમય માટે એનસીએમાં રહ્યો તે અંગે મને કોઈ જાણકારી નથી. તેની ખરેખર સ્થિતિ શું છે તે અંગે શા માટે યોગ્ય વાતો બહાર આવતી ન હતી.
તેના જેવી ક્ષમતા ધરાવતા ખેલાડીને હું ઓસ્ટ્રેલિયામાં હોય તેમ ઇચ્છતો હતો.શાસ્ત્રીએ ઉમેર્યું હતું કે સિરીઝમાં શમીની હાજરીથી ઘણો ફરક પડી ગયો હોત તેમાં મને કોઈ શંકા નથી. શમી કમ સે કમ ભારતીય ટીમની સાથે પ્રવાસ કરતો હોત તો પણ ટીમને ઘણો લાભ થયો હતો.
તેમાં ય અંતિમ ટેસ્ટમાં તેની હાજરી જરૂરી હતી જ્યારે બુમરાહ બોલિંગ કરવા માટે સક્ષમ ન હતો. હું હોત તો તેને ટીમની સાથે રાખ્યો હોત અને ત્યાં જ તેની રિહેબ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હોત.SS1MS