63 અબજોપતિ પાસે દેશના પૂર્ણ બજેટ કરતા વધુ પૈસા
નવી દિલ્હી: વર્ષ 2019-20 બજેટ માટે મોદી સરકારે દેશના કુલ ખર્ચનું આકલન અંદાજે 27,86,349 કરોડ રુપિયા આંક્યું હતું, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ભારતના કુલ 63 અબજોપતિઓની સંપત્તિ સમગ્ર દેશના કુલ બજેટ કરતા વધારે છે. ઓક્સફેમના નવા રિસર્ચ “ટાઈમ ટૂ કેર”ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટ પ્રમાણે, નાણાંકીય વર્ષ 2018-19 માટે કેન્દ્રીય બજેટ 24,42,200 કરોડનું રહ્યું હતું. જ્યારે ભારતના સૌથી અમીર 1 ટકા લોકો દેશની 70 ટકા વસ્તીથી 4 ઘણી વધારે સંપત્તિ ધરાવે છે. એટલે કે દેશના કુલ બજેટ કરતા પણ વધારે…
દુનિયાના 2153 અબજોપતિઓ પાસે વિશ્વની 60 ટકા વસ્તી એટલે કે 4.6 અબજ લોકોથી વધુ સંપત્તિ છે. આ રિપોર્ટમાં જે ચોંકાવનારી વાત સામે આવી છે, તે એ છે કે, ગત વર્ષે સંપત્તિ ઓછી હોવા છત્તાં અબજોપતિઓની સંપત્તિ 10 વર્ષોમાં બેગણી થઈ ચૂકી છે.
ઓક્સફૈમના આ રિપોર્ટ પ્રમાણે, વિશ્વના 22 ધનાઢ્યો પાસે આફ્રિકાની તમામ મહિલાઓની કુલ સંપત્તિ કરતા પણ વધુ સંપત્તિ છે. જ્યારે દુનિયાના તમામ પુરૂષોની કુલ સંપત્તિ, મહિલાઓની કુલ સંપત્તિ કરતા 50 ટકા વધુ છે. એટલે કે માત્ર ભારતમાં જ નહી, પરંતુ સમગ્ર દુનિયામાં સંપત્તિના મામલે આજે પણ અસમાનતા જોવા મળી રહી છે.
આ રિપોર્ટમાં વધુ એક વાતે ધ્યાનમાં લેવા જેવી છે કે, એક ગૃહિણી અને કામ કરતી મહિલાને એક ટેક કંપનીના CEOની એક વર્ષની કમાણી જેટલા રુપિયા કમાવામાં 22,777 વર્ષ થશે. પ્રતિ સેકન્ડ 106 રુપિયાના દરે એક ટેક કંપનીનો CEO 10 મિનિટમાં ગૃહિણી અને કામ કરતી મહિલાની વાર્ષિક આવક જેટલા રુપિયા કમાય છે. રિપોર્ટ પ્રમાણે, હાલની અર્થ વ્યવસ્થામાં સૌથી ઓછો ફાયદો મહિલાઓ અને યુવતીઓને થાય છે.