Western Times News

Gujarati News

ક્લાસમાં શિક્ષકોને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

પ્રતિકાત્મક

શાળામાં મોબાઈલનો ઉપયોગ કરનાર વિદ્યાર્થી સામે પગલાં ભરાશે

અમદાવાદ, સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે,

જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ -૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ગંભિર ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, બાળકો – વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે. રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, બાળકોનો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછુ કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે.

જેમાં શિક્ષકોનો ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ, અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન જઈ શકે તે માટે કડક પગલા લેવામાં આવશે.

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, બાળકોના સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન – રમત ગમત જેવી પ્રવૃતિઓમાં જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે, સાથોસાથ મંત્રીશ્રીએ બાળકોના માતા-પિતાને વિનંતી કરી હતી કે, બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે, માતા-પિતા પોતે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી બાળકને દૂર રાખે.

સમગ્ર ભારતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ ઉચ્ચતર અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં બાળકો સોશિયલ મીડિયાથી દુર રહી પોતાના જીવનમાં વાંચન અને રમત ગમતને સ્થાન આપે તે માટે શિક્ષકો અને વાલીઓ – બાળકો માટે એક પરિપત્ર બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે અને અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લેશે તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી.

વધુમાં મંત્રીએ એન.જી.ઓ, ધાર્મિક સંસ્થાઓ, તેમજ સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનથી દૂર રહે તે માટેના મહાભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી, તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી સરકાર સાથે મળીને કઈ રીતે આ મહાભિયાન લોકો સુધી વધુને વધુ પહોચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દરેક શાળામાં શોર્ટ ફિલ્મ મારફતે બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગો અને તેના નુકશાન વિષે માહિતગાર કરવામાં આવશે, વાલીઓ અને શિક્ષકો જો જાગૃત હશે તો જ બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી વાંચનની સાથે પોતાનો જીવન ઘડતર અને સ્પોર્ટ્‌સ સાથે જોડાઈને પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકશે.

આ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, ટેકનિકલ કમિશનર બંછાનિધિ પાની, નિયામક ઉચ્ચ શિક્ષણ દિનેશ ગુરૂ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર લલિત નારાયણ સંધુ, શાળાઓના નિયામક પ્રજેશ રાણા, નિયામક પ્રાથમિક શાળા એમ.આઈ.જોષી, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ રાજેશ ગુપ્તા, સિવિલ હોસ્પિટલના સાયકાટ્રીસ્ટ કૌશલબેન જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.