વકફના બહાના હેઠળ લેવામાં આવેલી જમીન પાછી લઇશુંઃ યોગી
લખનૌ, વકફ બોર્ડને ભૂમાફિયાનું બોર્ડ ગણાવીને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે વકફના બહાના હેઠળ હડપ કરાયેલી દરેક ઇંચ જમીન રાજ્ય સરકાર પરત મેળવશે. તે કહેવું મુશ્કેલ છે કે તે વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ છે. તેમની સરકારે વકફ ધારામાં સુધારો કર્યાે છે અને હડપ કરાયેલી તમામ જમીનની તપાસ કરી રહી છે.
યોગીએ જણાવ્યું હતું કે અમે વકફના બહાના હેઠળ લેવામાં આવેલી દરેક ઇંચ જમીન પર ફરીથી દાવો કરીશું અને તેનો ઉપયોગ ગરીબો માટે આવાસ, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલો બનાવવા માટે કરાશે. સમાજવાદી પાર્ટી અને તેના નેતાઓની આકરી ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ સમાજવાદી નેતા ડૉ. રામ મનોહર લોહિયાના સિદ્ધાંતોને પાલન કરી શક્યા નથી.
ડૉ. લોહિયાએ એકવાર કહ્યું હતું કે જો તમારે ભારતને સમજવું હોય તો રામ, કૃષ્ણ અને શિવની પરંપરાઓનો અભ્યાસ કરો. ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડીને અતિક્રમણ કરવાના પ્રયાસોની નિંદા કરતા યોગીએ જણાવ્યું હતું કે અમારી સરકારે કોર્ટના આદેશના આધારે નિર્ણાયક પગલાં લીધા અને તોફાનીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
ધર્મ પરિવર્તન અને ઘરવાપસી પર તેમણે કહ્યું હતું કે જો કોઈ સાચા અર્થમાં તેમના મૂળ ધર્મમાં હૃદયપૂર્વક પાછા ફરવા માંગે છે, તો તેનું સ્વાગત કરવું જોઈએ.લખનૌ ‘મહાકુંભ મહાસંમેલન’ નામના કાર્યક્રમમાં યોગીએ ચેતવણી આપી હતી કે કે કુંભ ભૂમિ પર દાવો કરનારાઓએ તેમની જાતને બચાવવી જોઈએ.