નવી શાળા શરૂ કરવાની અરજી માટે ૬૦ દિવસનો સમય આપવા રજૂઆત
સંચાલક મંડળે નવી પ્રાથમિક શાળાઓની અરજી અંગે રજૂઆત કરી
ચેક લિસ્ટ મુજબ દસ્તાવેજો એકત્ર કરવામાં સમય લાગતો હોવાથી મુદત વધારી ૧૫ જાન્યુઆરી સુધી કરવા માંગ
અમદાવાદ,
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી નવી પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માટે અરજીની મુદત વધારવામાં આવે તેવી માગણી સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. નવી શાળા શરૂ કરવા માટે ચેક લિસ્ટ અને દસ્તાવેજો માટે સમય જતો હોવાથી ૬૦ દિવસની, ૧૫ જાન્યુઆરી સુધી અરજી કરવાની મુદતમાં વધારો કરવાની માંગણી કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સંચાલક મંડળ દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં નવી પ્રાથમિક શાળા શરૂ કરવા માટેની મુદત ઓછામાં ઓછી ૬૦ દિવસની હોવી જોઈએ.
વર્તમાન અને નવી ખાનગી પ્રાથમિક શાળામાં અરજી કરવા અંગે ચેક લિસ્ટ તથા વિવિધ પુરાવા અને દસ્તાવેજો જોડવાના હોય છે, જે એકત્ર કરવામાં સમય જતો હોવાથી મુદત લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. જે ટ્રસ્ટ સોસાયટી કે ફાઉન્ડેશન નવી શાળા શરૂ કરવા માગતી હોય અને તેમની પાસે માલિકીનું બિલ્ડિંગ હોય તો ત્યાં મંડળોને નવી શાળા માટે અરજી કરવામાં કોઈ મૂંઝવણ આવતી નથી, પરંતુ જે ટ્રસ્ટ પાસે માલિકીનું મકાન નથી અને ભાડાના મકાનમાં શાળા શરૂ કરવા માગે છે તેવા મંડળો ૧૫ વર્ષનો રજિસ્ટર ભાડા કરાર કરાવવો અને ભાડાનું મકાન મેળવવું ખૂબ મુશ્કેલ બને છે. ૧૫ વર્ષના ભાડા કરારમાં તેમ ડ્યૂટી ૧૨% લાગતી હોવાથી બમણો ખર્ચ થાય છે.
જેથી નવી શાળા માટે ભાડાના મકાન ઉપલબ્ધ થતા નથી. નવી શાળા માટે ફાયર એનઓસી અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. જેમાં ફાયર એનઓસીની જોગવાઈ સંદર્ભે શાળા મંડળ અરજી કરે અને સત્તા મંડળ અરજી જમા કરે તેની પહોંચને નવી શાળાની અરજી વખતે માન્ય રાખવા માટે પણ માગણી કરવામાં આવી છે.સંચાલક મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે કે, નવા શૈક્ષણિક વર્ષ એટલે કે ૨૦૨૫- ૨૬ માટે નવી શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓ કરવાની મુદત ૩૦ દિવસ લંબાવી ૧૫ જાન્યુઆરી સુધી છૂટ આપવી જોઈએ. આ ઉપરાંત જૂની શાળાઓના વર્ગ વધારા, માધ્યમ ફેર અને સ્થળ ફેર માટે જે તે વખતના નિયમો અનુસાર જોગવાઈ કરવા માટે પણ રજૂઆત કરાઈ છે.ss1