કોર્પોરેટ ટેક્સમાં વધુ ઘટાડો કરવા તૈયારી: રોકાણ વધારવાનો ઉદ્દેશ્ય
કોર્પોરેટ ટેક્સને લઇ જોરદાર હલ્લો જારી: હલવા સેરેમનીની સાથે જ બજેટ દસ્તાવેજાના પ્રકાશનની પ્રક્રિયા શરૂ કરાઈ: નાણામંત્રી સેરેમનીમાં ઉપસ્થિત |
નવીદિલ્હી, હલવા સેરેમનીની સાથે જ બજેટ દસ્તાવેજાના પ્રકાશનની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટ પહેલા સૌથી વધારે ચર્ચા કોર્પોરેટ ટેક્સમાં કાપને લઇને થઇ રહી છે. ઉદ્યોગમંડળ સીઆઈઆઈએ આને ઘટાડીને ૨૦૨૩ સુધી ૧૫ ટકા કરવાની માંગ કરી છે. આ પગલાથી મૂડીરોકાણમાં તેજી આવવાની શક્યતા દેખાઈ રહી છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવ્યા બાદ બજેટમાં કયા પગલા લેવામાં આવે છે તેને લઇને જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે.
મોદી સરકાર ૨૦૧૪થી સતત કેન્દ્રમાં છે. આવી સ્થિતિમાં કોર્પોરેટ ટેક્સને લઇને હજુ સુધી લેવામાં આવેલા મુખ્ય પગલાની વાત કરવામા આવે તો પહેલી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે બજેટ ૨૦૧૮-૧૯માં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ કોર્પોરેટ ટેક્સમાં કાપની જાહેરાત કરી હતી. ૨૫૦ કરોડ રૂપિયા સુધી ટર્નઓવરવાળી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દરને ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી તે પહેલા બજેટ ૨૦૧૭માં ૫૦ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દર ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવામાં આવ્યા હતા. જુલાઈ ૨૦૧૯ સુધી ૨૫૦ કરોડથી વધુના ટર્નઓવરવાળી કંપનીઓ માટે ટેક્સના દર ૩૦ ટકાનો હતો.
જુલાઈ ૨૦૧૯માં નિર્મલા સીતારામને મોદી સરકાર-૨ તરફથી પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તેઓએ જાહેરાત કરી હતી કે, ૪૦૦ કરોડ સુધીના ટર્નઓવરવાળી કંપનીઓને ૨૫ ટકા ટેક્સની ચુકવણી કરવાની રહેશે. સુસ્ત પડી રહેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ૨૦મી સપ્ટેમ્બર ૨૦૧૯ના દિવસે નિર્મલા સીતારામને એકાએક કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સ્થાનિક કંપનીઓ ઉપર કોઇપણ પ્રકારની છુટછાટના કોર્પોરેટ ટેક્સને ૨૨ ટકા કરાયો હતો. સરચાર્જ અને સેસ ઉમેરીને અસરકારક દર ૨૫.૧૭ ટકા કરવામાં આવ્યો હતો. પહેલા આ દર ૩૦ ટકા રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત પહેલી ઓક્ટોબર ૨૦૧૯ અથવા તો ત્યારબાદ ભારતમાં રચવામાં આવેલી કોઇપણ કંપની ઉપર ૧૫ ટકા ટેક્સ લાગૂ કરવાની વાત કરી હતી. જા તે કંપની ૩૧મી માર્ચ ૨૦૨૩થી પહેલા ઉત્પાદન શરૂ કરે છે તો તમામ પ્રકારના સરચાર્જ અને સેસ સહિત અસરકારક દર ૧૭.૧૦ ટકા રહેશે.