મા-બાપ વચ્ચે વિવાદને લીધે બાળકનો પાસપોર્ટનો હક છીનવી ન શકાય
બોમ્બે હાઈકોર્ટનો વધુ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો
બોમ્બે હાઈકોર્ટે બે સપ્તાહમાં પાસપોર્ટ આપવા આદેશ કરી પાસપોર્ટ ઓથોરિટીનો ઉધડો લીધો
મુંબઈ,
બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે માબાપ વચ્ચેના વૈવાહિક વિવાદને કારણે સગીરનો પાસપોર્ટ મેળવવાનો અને વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર છીનવી ન શકાય. વિદેશ પ્રવાસનો અધિકાર બંધારણે આપેલા મૂળભૂત અધિકારનું એક પાસું છે. કોર્ટે પુણે પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ (RPO)ને ૧૭ વર્ષની કિશોરીને બે અઠવાડિયામાં પાસપોર્ટ જારી કરવાનો આદેશ પણ આપ્યો હતો. આવા કેસોમાં યાંત્રિક અભિગમ અપનાવવા માટે હાઇકોર્ટે પાસપોર્સ ઓથોરિટીનો ઉધડો લીધો હતો અને જણાવ્યું હતું કે હાલની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાસપોર્ટ ધારાની જોગવાઈઓને અમલ કરવો જોઇએ. આરપીઓએ નવેમ્બર ૨૦૨૪માં કિશોરીને માતાને જણાવ્યું હતું કે કિશોરીની પાસપોર્ટ અરજી પર પ્રક્રિયા કરવામાં આવશે નહીં, કારણ કે તેના પિતાએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે.
તેના જવાબમાં કિશોરીની માતાએ જણાવ્યું હતું કે દંપતી વચ્ચે વચ્ચે છૂટાછેડા કોર્ટ કેસ ચાલતો હોવાથી પાસપોર્ટ ફોર્મમાં મિતાની મંજૂરી લેવામાં આવી નથી. હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે પિતાએ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપ્યું ન હોવાથી અરજદાર કિશોરીના મૂલ્યવાન બંધારણીય અધિકારને છીનવી શકાય નહીં. કિશોરી તેની માતા સાથે રહે છે અને ધોરણ ૧૦ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી છે. આટલા ઊંચા માર્કને કારણે જાપાનની સ્ટડી ટુર માટે તેની પસંદગી કરાઈ છે.
કોર્ટે જણાવ્યુ હતું કે બંધારણના કલમ ૨૧માં વ્યક્તિગત સ્વતંત્રતાનો ઉલ્લેખ છે. તેમાં વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર શામેલ છે. કાયદામાં સ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈ પણ વ્યક્તિને આ અધિકારથી વંચિત કરી શકાય નહીં. કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયા વાજબી અને ન્યાયી હોવી જોઈએ. તે કાલ્પનિક, દમનકારી અથવા મનસ્વી હોવી જોઇએ નહીં. વિદેશ પ્રવાસનો અધિકાર એ ભારતના બંધારણની કલમ ૨૧ હેઠળ બાંયધરી આપવામાં આવેલ મૂળભૂત અધિકારનું એક પાસું છે. હાલના સમયમાં વિદેશ પ્રવાસને એક ફેન્સી બાબત ગણી શકાય નહીં, તે આધુનિક જીવનની આવશ્યક જરૂરિયાત બની ગઈ છે.ss1