ઉત્તરાયણ પર્વમાં પતંગ રસિયાઓ નિરાશ નહીં થાય, પવનની ગતિ અનુકુળ રહેશે
અમદાવાદ, ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં મકરસંક્રાંતિના પર્વમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. તો આ દિવસે પવનની ગતિ કેવી રહેશે તે સવાલ પતંગ રસિયાઓને થતો હોય છે તો આ વર્ષે પવન પતંગ રસિયોઓને નિરાશ નહિ કરે પવનની ગતિ સારી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ઉતરાણ પહેલા ઉત્તર દિશામાંથી આવતા પવનની ગતિ વધશે અને તેના કારણે આ સમય દરિયાન સારો પવન રહેશે, ઠંડીની વાત કરીએ તો આગામી ૩થી ૪ દિવસમાં ત્રણથી ૪ ડિગ્રી તાપમાનો પારો ગગડતાં હાડ થીજાવતી ઠંડીનું અનુમાન છે.
ઉત્તરાયણનાં
દિવસે પતંગ રસિયાઓને ખુશ કરે તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. ૧૪ જાન્યુઆરીએ પવનની ગતિ-દિશા ખૂબ અનુકુળ રહેશે તેમજ રાજ્યમાં ૧૪ જાન્યુઆરીએ આકાશ ખુલ્લુ રહેશે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૨૫ થી ૩૦ ડિગ્રી રહવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
રાજ્યમાં પતંગરસિકો માટે સારા સમાચાર છે કે, મકરસંક્રાતિ પર્વ પર પતંગ માટે અનુકુળ પવન રહેશે અને તાપમાન સામાન્ય રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ૨૦થી ૨૨ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ જોવા મળશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, સુરતમાં વધારે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણનાં દિવસે ભારે પવન જોવા મળશે. ૧૪ થી ૧૬ જાન્યુઆરી દરમ્યાન રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરાયણની સવારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ એક સિસ્ટમ ભારત પર આવી રહી છે. જેની અસર ઉત્તર ભારત પર થશે. ગુજરાતમાં પવનની ગતિ સારી રહેશે. હવામાન વિભાગી આગાહી મુજબ ઉત્તર તરફથી પવન આવવાના શરૂ થશે. જેથી ઠંડીમાં હજુ પણ વધારો થશે. કચ્છના જે વિસ્તારો છે ત્યાં પવનની ગતિ વધશે.
આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે જેના કારણે હાડથીજાવતી ઠંડીનો અનુભવ થશે. આગામી દિવસોમાં માવઠાની કોઇ શક્યતા નથી. પરંતુ પૂર્વગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં થોડુ વાદળછાયું વાતાવરણ પણ રહેશે,. પવનની ગતિ સારી રહેવાથી પતંગ રસિકો માટે સારા સમાચાર છે.
આગામી ત્રણ દિવસ હાડથીજાવતી ઠંડીનું અનુમાન છે. ઉત્તરાણ દિવસ બાદ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વધશે. તાપ ન નીકળતા અને ઉત્તરથી આવતા પવનની ગતિ વધતા ઠંડી વઘવાનું અનુમાન છે.