પાટણમાં સ્કોર્પિયોએ રાહદારીઓને હવામાં ફંગોળ્યા
ગુજરાતમાં અકસ્માતની ૪ ઘટનામાં ૭ લોકોના મોત -પંચમહાલમાં કાર ચાલકે બાઈક પર સવાર પતિ પત્ની સહિત બે બાળકોને અડફેટે લીધા
ગાંધીનગર, અવારનાવર આપણે અકસ્માતના સમાચાર સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાતમાંથી આજે ઉત્તરાયણના પર્વ પર ચાર ગંભીર અકસ્માતોએ સ્વરુપ લીધું જેમાં કુલ ૭ લોકોના કુરણ મોત નિપજ્યાં છે અને ૫ લોકોને ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પંચમહાલના ગોધરા નજીક આવેલી પરવડી ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
કાર ચાલકે બાઈક પર સવાર પતિ પત્ની સહિત બે બાળકોને અડફેટે લેતા બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ બાઈક પર સવાર પત્નીનું મોત નિપજ્યું હતું. ઉત્તરાયણની ખરીદી માટે ગઢ ચુંદડીથી ગોધરા તરફ બાઈક લઈને આવતા પરીવારને અકસ્માત નડ્યો હતો. બાઈક પર સવાર પતિ અને બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.બેફામ ડ્રાઇવિંગ કારણે શંખેશ્વરમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા અને બે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકનાં રેફરલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના શંખેશ્વરમાં ફૂલ સ્પીડે આવતી સ્કોર્પિઓ ગાડી રોડની સાઈડ પર પાર્ક કરેલ ટેમ્પો ટ્રાવેલ્સ સાથે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
શંખેશ્વરમાં જહાજ મંદિર પાસે બની હતી ઘટના જેમાં મૃત્યુ પામનાર તેમજ ઈજાગ્રસ્ત લોકો તમામ શંખેશ્વરના રહેવાસી છે.સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર વિજાપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ૧૮થી ૨૦ વર્ષના ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. મેમણ સમાજવાડી પાસે રોંગ સાઈડે આવતા જીપડાલાએ મોટરસાયકલને ટક્કર મારી હતી. જેમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
ત્રણેય યુવાનો રાજસ્થાનના વતની હતા. જીપ ચાલક જીપ મૂકીને ફરાર થઈ ગયો છે. ગ્રામ્ય પોલીસે આ હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ખેડા જિલ્લાના મહુધાથી અમદાવાદ જતી બસ અકસ્માતમાં કંડક્ટરનું મોત નિપજ્યું હતું. મહુધાથી અમદાવાદ જતા વાઠવાળી નજીક ડમ્ફરમાં એસટી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. વાઠવાળી નજીક રોડ ઉપર ઉભેલા ડમ્ફરમાં એસટી ધડકાભેર અથડાઈ એસટીનું પડખું ચિરાઈ ગયું હતું.
આ અકસ્માતમાં મહુધા ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટરનું નીપજ્યું મોત નિપજ્યું હતું. સદનસીબે મહુધા અમદાવાદ બસમાં મુસાફર ન હતા નહીંતર મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા હતી. એસટીના ડ્રાઇવર હેમખેમ નિકળી આવ્યા જયારે કંડક્ટર એમ જ઼ી મલેક મહુધાનું કરુણ મોત નિપજ્યું હતું.