પેલેડિયમ મોલ પાસે હથિયારો લઈ આતંક મચાવનારા મુંબઈ ભાગ્યા હતાઃ સતારાથી ઝડપાયા
અમદાવાદ, એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે થોડા દિવસ પહેલા હથિયારધારી ટોળાએ લોકોમાં ભય ફેલાવ્યો હતો. બે ગાડી ભરીને આવેલા લોકો મધરાત્રે હથિયારો સાથે ગાડીમાંથી ઉતર્યા હતા. આ ટોળામાંના એક શખ્સને જે યુવક સાથે માથાકૂટ થઇ હતી તેને માર મારીને ભગાવી મૂક્યો હતો. રોડ પરથી પસાર થતા લોકો પણ રોકાઇ જતા આ તમામ લોકો ભાગી ગયા હતા.
આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. જે બાદ પોલીસે તપાસ હાથ ધરીને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ બનાવ બાદ અમદાવાદ છોડીને અન્ય રાજ્યમાં ભાગી ગયા હતા. જ્યાંથી મુંબઇ તરફ જતા હતા ત્યારે જ પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના સતારાથી સ્થાનિક પોલીસની મદદથી પાંચેય લોકોની ધરપકડ કરી છે.
રાણીપમાં રહેતા વિજયભાઇ ભરવાડને થોડા દિવસ પહેલા સિંધુભવન રોડ પર પ્રિન્સ જાંગીડ સાથે બોલાચાલી થઇ હતી. જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં વિજયભાઇ અને તેમના મિત્રને જામીન મળ્યા હતા. આરોપી પ્રિન્સ જાંગીડ અને તેના સાગરિતોએ ધમકી આપી હતી કે તમે અમને માર માર્યાે છે એટલે તમને છોડવાના નથી, બજારમાં ફરશો ત્યારે જોઇ લઇશું તેમ કહીને ધમકી આપી હતી.
તેવામાં ગત તા.૧૦ના રોજ વિજયભાઇ તેમના મિત્રો સાથે થલતેજ ખાતે ફરવા નીકળ્યા ત્યારે પેલેડિયમ પાસે બે ગાડી ભરીને કેટલાક શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ લાકડીઓ અને ધોકા તથા તલવાર જેવા હથિયારો વડે આવીને બબાલ કરી હતી. જેમાં વિજયભાઇને માર મારતા તે ઇજાગ્રસ્ત થયા હતા. આ સમયે ત્યાં લોકો ભેગા થઇ જતા આ અસામાજિક તત્ત્વોએ તેમને પણ હથિયારો બતાવીને ડરાવ્યા હતા.
આ મામલે વિજયભાઇએ પ્રિન્સ જાંગીડ અને મિહિર દેસાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાનો લાઇવ વીડિયો વાયરલ થયા બાદ વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. તેવામાં ઝોન-૧ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ફરાર આરોપીઓ મહારાષ્ટ્રના સતારા તરફ બસમાં જઇ રહ્યા છે.
જેથી ત્યાંની પોલીસને જાણ કરતા પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મિહિર દેસાઈ, પ્રિન્સ બજરંગલાલ જાંગીડ, જીગર ઉર્ફે જીગ્નેશ દેસાઈ, પવન ઠાકોર, કૈલાશ દરજીની કસ્ટડી મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ગુનામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને તે બાબતે પોલીસે તપાસ તેજ કરી છે.