કિઆરાને નબળો રોલ મળ્યો: ‘ગેમ ચેન્જર’ પર ટ્રોલર્સ ત્રાટક્યા
સાઉથની ફિલ્મોમાં બોલિવૂડની હિરોઇનો સાથે ફ્લાવરપોટ જેવું વર્તન થતું હોવાનો ઊભરો ઠાલવ્યો
મુંબઈ, કિઆરા અડવાણી અને રામ ચરણ શંકરની ‘ગેમ ચેન્જર’માં મુખ્ય રોલ કરી રહ્યાં છે. ૧૦ જાન્યુઆરીએ આ ફિલ્મ થિએટરમાં રિલીઝ થઈ છે અને તેને ઓડિયન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે સોશિયલ મીડિયા પર આ ફિલ્મમાં કિઆરાના રોલની ઘણી ટીકા થઈ રહી છે. જુનિયર એનટીઆરની ‘દેવરા’માં જાન્હવીને નબળો રોલ મળ્યો હતો અને તે જ રીતે ‘ગેમ ચેન્જર’માં કિઆરાને વેડફી નાખવામાં આવી હોવાનો ઊભરો નેટિઝન્સ ઠાલવી રહ્યા છે.
‘ગેમ ચેન્જર’માં રોલ માટે કિઆરાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી છે. કેટલાંક લોકોએ પહેલાં દિવસે જ ફિલ્મ જોઈ લીધી હતી અને તેમાંથી કિઆરાની કેટલીક ક્લિપ્સ વાયરલ થઈ રહી છે.
ઘણા લોકોની ફરિયાદ છે કે બોલિવૂડની જે પણ હિરોઇન સાઉથની ફિલ્મોમાં કામ કરે છે, તેમના રોલને યોગ્ય લંબાઈ આપવામાં આવતી નથી. કેટલાંક લોકોએ કિઆરાના રોલની જાન્હવીના ‘દેવરા-૧’ના રોલ સાથે સરખામણી કરી હતી.
લોકોનું માનવું હતું કે જે હિરોઇનોની બોલિવૂડની ફિલ્મોમાં મોટી જવાબદારી હોય છે એ સાઉથની ફિલ્મોમાં ફ્લાવર પોટ બની રહે છે. કિઆરા અડવાણીને એ મુદ્દે ટ્રોલ કરવામાં આવી કે તેને માત્ર ગીતોમાં સુંદર દેખાવા માટે રામ ચરણની પ્રેમિકા બનાવવામાં આવી છે, બાકી ફિલ્મની વાર્તામાં તેના પાત્રનું કોઈ મહત્વ નથી. તે સારો મજબૂત રોલ કરવાને લાયક હતી. તેની ક્ષમતા અને આવડત વેડફાઇ ગઈ છે.
‘ગેમ ચેન્જર’ને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ૭૦ કરોડથી વધુની આવક થઈ છે. જોકે, આ વીકેન્ડમાં પોંગલ, ઉત્તરાયણ જેવા તહેવારોને કારણે આવક વધવાની શક્યતા છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી અને મલયાલમમાં રિલીઝ થઈ છે. જોકે, બોક્સ ઓફિસની કુલ આવકમાં તેલુગુ ફિલ્મનો ફાળો મોટો છે.