કેળા ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે, જેમાં પોષક તત્વો, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ અને વિટામિન્સ પણ હોય છે
પ્રાકૃતિક કૃષિમાં આવો જાણીએ કેળાનાં પાકના વાવેતર, મહત્વ અને ફાયદા વિશે
કેળાનાં વાવેતર સાથે મિશ્રપાક તરીકે ચોળા, મરચી, ડુંગળી, ગલગોટા અને શાકભાજીના આંતર પાક તેમજ કેળના બે છોડની વચ્ચે સરગવા વાવી શકાય
વડોદરા, આપ સૌ જાણો છો તેમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા તરફ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને જેમાં હવે ખેડૂતોની ભાગીદારી પણ સવિશેષ જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસો દ્વારા ખેડૂતોને સહાયલક્ષી યોજનાઓ, કલ્યાકારી અને લાભદાયી નીવડે તેવી સહાય, ખેડૂત જાગૃતિલક્ષી તાલીમ શિબિરો અને અવનવી સહાય રૂપે મદદ પુરી પાડવામાં આવી રહી છે. જેથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કે જે એકમાત્ર ઉપાય છે સ્વસ્થ અને સુરક્ષિત જન-જીવન-જમીન માટે તેને અપનાવે.
કેળાંનો એકલો પાક, ફેરબદલીથી મિશ્રપાક, આંતરપાક, સહજીવી પાક વગેરે જુદી જુદી પદ્ધતિઓથી લેવામાં આવે છે. કેળાંની રોપણી તેના પીલાં/કંદ લગાવીને કરવામાં આવે છે. કંદનું વજન ૪૦૦ થી ૬૦૦ ગ્રામ હોય છે. તેનો આકાર પાકેલા નાળિયેર જેવો હોવો જોઈએ. કંદનો રંગ ઘેરો લાલ હોવો જોઈએ. કંદ વાવ્યા પછી તેમાંથી ૨૦૦ થી ૫૦૦ ની સંખ્યામાં મૂળ નીકળે છે. કંદ જો પ્રાકૃતિક કેળાનાં છોડમાંથી લેવામાં આવ્યું હોય, તો ઉત્પાદન વધુ મળશે. સામાન્ય રીતે કેળાના પાકમાં ત્રણ ઋતુમાં ઉત્પાદન લેવામાં આવે છે.
ઋતુ પ્રમાણે કેળાનું વાવેતર જોઈએ તો મૃગ બહાર – જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન કરવું જોઈએ, આંબે બહાર—સપ્ટેમ્બર, ઓક્ટોબર દરમિયાન અને હસ્ત બહાર – ડિસેમ્બર, જાન્યુઆરી માસ દરમિયાન કરવું જોઈએ.
કેળાનાં વાવવાનું અંતર : ખેતરમાં ૮ x ૪ ફૂટ, ૯ × ૪.૫ ફૂટ, ૮ × ૮ ફૂટ, ૧૨ × ૧૨ ફૂટનું અંતર રાખીને કેળાનું વાવેતર કરવું જોઈએ. આ ઉપરાંત નાની છાલના પ્રકારની જાત માટે કેટલા અંતરમાં વાવેતર કરવું જોઈએ તે વિશે પણ અહીં સુચિત કરવામાં આવ્યું છે. જેમાં નાની છાલના પ્રકારની કેળાની જાત માટે ૮ x ૪ ફૂટ, ૯ × ૪.૫ ફૂટ, ૪.૫ × ૪.૫ ફૂટ એમ અનુક્રમે અંતરમાં વાવેતર કરવું ખૂબ ઉપયોગી નીવડે છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળાનું વાવેતર કરવાની રીતઃ
બીજામૃતથી બીજ માવજત કરીને કંદને વાવો. જેવડો આકાર કંદનો હોય તેટલો ખાડો ખોદો. તેમાં બે મુઠ્ઠી છાણિયું ખાતર તથા ઘન જીવામૃતનું મિશ્રણ નાખો. ત્યાર પછી નજીકની માટી નાખીને તેને દબાવો અને ઉપરથી જીવામૃત નાખો. વચ્ચે ચોળા, મરચી, ડુંગળી, ગલગોટા અને શાકભાજીના આંતર પાક વાવો.
કેળના બે છોડની વચ્ચે સરગવા વાવો. દર પંદર દિવસે એક વખત સિંચાઈના પાણી સાથે જીવામૃત આપો. કેળાની લુમ કાપતાં પહેલાં છોડવાનું કોઈપણ લીલું કે સુકાયેલું પાન કાપો નહીં. આ પાન છોડવાઓની પોષક તત્વોની રિઝર્વ બેન્ક તરીકે કામ કરતા હોય છે. કંદ વાવ્યા પછી ત્રણ મહિના સુધી દરેક ચાસમાં પાણી આપો. ત્રણ મહિના પછી છોડ વાળા ચાસમાં પાણી આપવાનું બંધ કરો. બાકીના ત્રણ ચાસમાં પાણી આપો. દરેક વખતે પાણી સાથે જીવામૃત આપો. ફૂલ બહાર આવે ત્યાં સુધી છોડવાઓના મૂળમાંથી જે અંકુર નીકળે તે બધાને કાપીને ત્યાં જ આચ્છાદનના રૂપમાં નાખી દો. જે દિવસે ફૂલ બહાર નીકળે તે દિવસે તે જે દિશામાં નીકળે તેનાથી ઠીક વિરુદ્ધ દિશામાં એક અંકુર રાખી દો અને બાકીના કાપી અને આચ્છાદન કરી દો. કેળાંની લૂમ કાપ્યા પછી તેનું થડ કાપો નહીં. તેને તેમ જ ઊભું રહેવા દો. જેમ જેમ રાખી દીધેલો છોડ મોટો થતો જશે તેમ તેમ થડ પોતાની રીતે તે જ જગ્યા ઉપર નીચે પડી જશે અને છેવટે ઉભેલા છોડમાં તેનાં પોષક તત્વો સમાઈ જશે. લૂમ કાપ્યા પછી પાન કાપીને તેનું આચ્છાદન કરો.
કેળાની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ખેડૂતો સારી કમાણી કરી શકે છે. આ એક એવું ફળ છે જેનાથી આર્થિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને સારું રહે છે. તે શરીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને નાઈટ્રોજનના ઉપયોગ અને જાળવણીમાં મદદ કરે છે. કેળા ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે. પોષક તત્વો ઉપરાંત, કેળામાં કાર્બોહાઈડ્રેટની સાથે મિનરલ્સ અને વિટામિન્સ પણ હોય છે. કેળા અન્ય ફળો કરતાં વધુ સારો સંતુલિત આહાર પૂરો પાડે છે. બટાકા કરતા કેળા વધુ એનર્જી આપે છે. કેળા 67-137 કેલરી ઊર્જા/100 ગ્રામ પૂરી પાડે છે.
તે શરીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને નાઈટ્રોજનના ઉપયોગ અને જાળવણીમાં મદદ કરે છે, જે મજબૂત કોષોની રચના તરફ દોરી જાય છે, અને કોષો પણ પુનર્જીવિત થાય છે. કેળામાં જોવા મળતી ખાંડ વૃદ્ધિ અને ચયાપચયમાં પણ ફાયદાકારક છે.
શારીરિક શ્રમ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે કેળાનો ઉપયોગ સારો માનવામાં આવે છે. કેળાની અંદર પણ પેટ સાફ રાખવાનો ગુણ જોવા મળે છે. કેળામાં જોવા મળતી ખાંડ પાચન તંત્રમાં ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા અને એસિડ-પ્રેમાળ સૂક્ષ્મજીવોની સંખ્યા વધારવામાં મદદરૂપ છે અને કેળાના ફળમાં ઝાડા અને મરડો સાથે આંતરડાના અલ્સરને કારણે ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયાની સંખ્યા ઘટાડવામાં ફાયદાકારક છે. તેમાં ઘા મટાડવાની ક્ષમતા હોય છે. કેળાનું પાકેલું ફળ ડાયાબિટીસ, નેફ્રાઈટિસ, ગાઉટ, સ્ટ્રેસ અને હૃદયના રોગોમાં ફાયદાકારક છે. કેળાની અંદર પેક્ટીન જોવા મળે છે, જે પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરે છે.
તો ખેડૂત મિત્રો આવો સૌ સાથે મળીને સરકારશ્રીના આ પ્રાકૃતિક કૃષિના પ્રાધાન્ય આપવાના અભિયાનમાં સહભાગી થઈએ. અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળાનું વાવેતર કરીને આર્થિક અને શારીરિક સ્વાસ્થ્ય બંનેને મજબુત બનાવીએ.