એન્જલ વન રોકાણકારોને છેતરપિંડી કરતા સોશિયલ મીડિયા ગ્રુપ અંગે સાવચેત કર્યા
મુંબઈ, ફિનટેક સેક્ટરમાં અગ્રણી કંપની એન્જલ વન લિમિટેડ એન્જલ વનના નામનો દુરુપયોગ કરતા અને તેના સિનિયર એક્ઝિક્યુટિવ્સ હોવાનો દેખાડો કરતા છેતરપિંડીયુક્ત સોશિયલ મીડિયા ગ્રુપ્સની વધી રહેલી સંખ્યા અંગે રોકાણકારોને ચેતવે છે. કંપનીએ નોંધ્યું છે કે એન્જલ વન સાથે સંકળાયેલા હોવાનો ખોટો દાવો કરતા સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર અનેક બિનઅધિકૃત ગ્રુપ બનાવવામાં આવ્યા છે. Angel One Alerts Investors about Fraudulent Social Media Groups and Unauthorized Investment Schemes.
એન્જલ વને ઓળખ કરી છે કે આવા છેતરપિંડીભર્યા ગ્રુપ્સ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે જેમાં જરૂરી સેબી રજિસ્ટ્રેશન કે મંજૂરી વિના જ સિક્યોરિટીઝને લગતી સલાહ કે ભલામણો આપવી અને સેબીની મંજૂરી વિના જ સિક્યોરિટીઝ સાથે સંબંધિત વળતર અને પર્ફોર્મન્સ અંગે બિનઅધિકૃત રીતે દાવા કરવાનો સમાવેશ થાય છે. વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ્સ એન્જલ વન લિમિટેડના બ્રાન્ડ નેમ અને લોગોનો ગેરકાયદેસર રીતે અને ગંભીરપણે દુરુપયોગ કરી રહ્યા છે જેનાથી સામાન્ય પ્રજા ગેરમાર્ગે દોરાઇને એમ માને છે કે તેઓ એન્જલ વન લિમિટેડ સાથે સંકળાયેલા છે.
અમે ભારપૂર્વક જણાવવા માંગીએ છીએ કે સિક્યોરિટીઝ માર્કેટમાં બાંયધરીપૂર્વકના વળતર અથવા બિનઅધિકૃત રીતે રોકાણની સલાહ પૂરી પાડવા પર આકરા પ્રતિબંધો છે અને રોકાણકારોને વિનંતી કરીએ છીએ કે અમારી કંપની તરફથી હોવાનો દાવો કરતા કોઈપણ કમ્યૂનિકેશનની પ્રમાણભૂતતા ચકાસવી અને યોગ્ય અનુપાલન કરવું. કાયદેસરના રોકાણના નિર્ણયો હંમેશા અધિકૃત સ્ત્રોતો તરફથી સંશોધન અને માહિતીના આધારે જ લેવા જોઈએ. એન્જલ વન લિમિટેડ આવી કોઈપણ નકલી એપ્લિકેશન્સ, વેબ લિંક્સ કે ખાનગી વોટ્સઅપ કે ટેલિગ્રામ ગ્રુપ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી નથી અને આવી છેતરપિંડીભરી એપ્લિકેશન્સ કે વેબ લિંક્સ સાથે જોડાવાથી ઉદ્ભવતા પરિણામો કે કોઈ નાણાંકીય નુકસાન માટે જવાબદાર રહેશે નહીં એમ એન્જલ વને જણાવ્યું હતું.
એન્જલ વને સ્પષ્ટતા કરી હતી કે તે ગ્રાહકોને બિનસત્તાવાર સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં એડ કરતી નથી, મેસેજિંગ પ્લેટફોર્મ્સ દ્વારા સંવેદનશીલ વ્યક્તિગત માહિતી આપવાનું કહેતી નથી, બિનઅધિકૃત માર્ગેથી ભંડોળ મેળવતી નથી કે બાંયધરીકૃત વળતરના વચનો આપતી નથી. તમામ કાયદેસરના વ્યવહારો એન્જલ વનના ઓફિશિયલ પ્લેટફોર્મસ થકી જ જોવા જોઈએ અને એપ્લિકેશન્સ સત્તાવાર સ્ત્રોતો અને અધિકૃત એપ સ્ટોર્સ પરથી જ ડાઉનલોડ થવી જોઈએ. એન્જલ વન રોકાણકારોના હિતોને સાચવવા અને સુરક્ષિત ટ્રેડિંગ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. કંપની તમામ રોકાણકારોને સાવચેત રહેવા અને તેમની નાણાંકીય સુરક્ષાને સાચવવા માટે જરૂરી અગમચેતાના પગલાં ભરવા પ્રોત્સાહિત કરે છે.