ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની બીજી સિઝનનો પ્રારંભ કર્યો
- જુનિયર ટાઇટન્સની Let’s Sport Out પહેલ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ પ્રત્યે રસ જગાવે છે
- જુનિયર ટાઇટન્સની ઇવેન્ટ્સ જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, પાલનપુર અને અમદાવાદ એમ પાંચ શહેરોમાં યોજાશે
અમદાવાદ – પ્રારંભિક સિઝનની જ્વલંત સફળતાના પગલે ગુજરાત ટાઇટન્સ ‘જુનિયર ટાઇટન્સ’ની બીજી સિઝનની જાહેરાત કરતા રોમાંચિત છે. જુનિયર ટાઇટન્સ એ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટેનો જુસ્સો જગાવવા માટે સમર્પિત એક અનોખી પહેલ છે. Let’s Sport Out ના સિદ્ધાંતો ધરાવતી જુનિયર ટાઇટન્સ નાના બાળકો માટે આઉટડોર પ્રવૃત્તિઓના રોમાંચને નવેસરથી જગાવશે અને તેમને વિવિધ રમતોમાં એક્સપોઝર આપીને તેમના માટે એક અનોખો અનુભવ બનાવશે. જુનિયર ટાઇટન્સની ઇવેન્ટ્સ ગુજરાતના પાંચ મહત્વના શહેરો અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ અને પાલનપુર ખાતે યોજાશે.
ટોચની સ્પેનિશ ફૂટબોલ લીગ LALIGA એ આ પ્રોગ્રામની બીજી સિઝન માટે તેનો સહયોગ ચાલુ રાખ્યો છે અને આ ઇવેન્ટ્સમાં તે ફૂટબોલ વર્કશોપ્સ યોજશે. આ સિઝનમાં LALIGA ના એક્સપર્ટ ટેક્નિકલ કોચ યુવા પ્રતિભાઓને ફિલ્ડના શ્રેષ્ઠ લોકો પાસેથી શીખવાની તક પૂરી પાડશે. આ સહયોગ ભાગ લઈ રહેલા બાળકોને અમૂલ્ય આંતરદ્રષ્ટિ પૂરી પાડશે અને તેમની રમતગમતની ક્ષિતિજો વિસ્તારશે.
બીજી સિઝનમાં જાપાનની ખૂબ જ લોકપ્રિય બ્રાન્ડ્સ પૈકીની એક પોકેમોન પણ જોવા મળશે જેણે જુનિયર ટાઇટન્સ સાથે સહયોગ કર્યો છે. તે બાળકોને તેમના પ્રિય પોકેમોન કેરેક્ટર્સ સાથે મળવાની, સ્થળ ખાતે રોમાંચક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની અને સુંદર મર્ચેન્ડાઇઝ ઘરે લઇ જવાની તક આપશે.
આ એડિશનમાં બિસ્લેરી દ્વારા બાળકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે જ્યારે એસજી જરૂરી સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ પૂરા પાડશે.
18મી જાન્યુઆરીએ જૂનાગઢમાં પ્રારંભ થવા સાથે દરેક શહેર આઉટડોર પ્લે અને સ્પોર્ટ્સમેનશિપના આનંદની ઉજવી કરવા માટે બનાવાયેલી એક દિવસની કમ્યૂનિટી સ્પોર્ટ ઇવેન્ટ યોજશે. આ ઇવેન્ટ્સમાં વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ હશે જેમાં ગુજરાત ટાઇટન્સના ઇતિહાસનો વોક થ્રૂ, ક્રિકેટ અને ફૂટબોલ ચેલેન્જીસ અને ક્વિઝ સમાવિષ્ટ હશે. ભાગ લેનાર બાળકોને આકર્ષક ગિવઅવે અને સ્વાદિષ્ટ ભોજન પણ મળશે અને આ બધાનો ઉદ્દેશ સામુદાયિક જોડાણ અને સૌહાર્દને પ્રોત્સાહન આપવાનો છે.
આ એડિશનમાં જુનિયર ટાઇટન્સમાં 10 ખાનગી શાળાઓ અને 5 સરકારી શાળાઓ સહિત દરેક શહેરની લગભગ 25 શાળાઓ ભાગ લેશે. શાળાઓ ઉપરાંત 5 એનજીઓ પણ ભાગ લેશે, જે તમામ યુવા ખેલાડીઓ માટે વૈવિધ્યસભર અને સમાવેશક માહોલને સુનિશ્ચિત કરશે. દરેક શહેરમાં લગભગ 900 સહભાગીઓ હાજર રહે તેની ગણતરી સાથે આ કાર્યક્રમ રમતગમત અને સમુદાયની ભાવનાની ભવ્ય ઉજવણીનું વચન આપે છે.
પહેલી સફળ એડિશનમાં 117 શાળાઓના 5,000થી વધુ બાળકોની ઉત્સાહપૂર્વક ભાગીદારી સાથે વડોદરાથી ભુજ અને સુરતથી રાજકોટ સુધીના ગુજરાતના પાંચ શહેરોમાં સફળ ઇવેન્ટ જોવા મળી હતી.
ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે જુનિયર ટાઇટન્સની બીજી એડિશન સાથે અમે સમગ્ર ગુજરાતમાં નાના બાળકોને પ્રેરણા આપવાના અમારા મિશનને ચાલુ રાખવા માટે ઉત્સાહિત છીએ. આ પહેલ ન કેવળ રમતગમત પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપે છે પરંતુ ટીમ વર્કના મહત્વ પર પણ ભાર મૂકે છે. LALIGA સાથેની અમારી સતત ચાલુ રહેલી ભાગીદારી આ અનુભવને વધારે છે,
જે બાળકોને વિશ્વ કક્ષાના કોચ પાસેથી શીખવાની અને એક્સપોઝર મેળવવાની અનન્ય તકો પૂરી પાડે છે. પોકેમોનના જુનિયર ટાઇટન્સ સાથે જોડાવાથી આ પ્રિય કેરેક્ટર્સ બાળકોને પ્રેરણા આપશે અને પ્રોત્સાહિત કરશે. અમે આ સિઝનમાં ભાગ લઈ રહેલી શાળાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના આભારી છીએ અને દરેક શહેરના બાળકો માટે અવિસ્મરણીય અનુભવો બનાવવા માટે આતુર છીએ.