વાસી ઉત્તરાયણે પણ આકાશમાં પતંગના યુદ્ધ ખેલાયાંઃ લોકોમાં અનેરો ઉત્સાહ
સાંજે આકાશ આતશબાજીથી ઝગમગ્યું ઃ પતંગ અને ફીરકીને બાજુ પર મૂકી અમદાવાદીઓ ગરબે ઘૂમ્યાં
(એજન્સી) અમદાવાદ, ૧પ જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે પણ અમદાવાદના આકાશમાં પતંગના અનોખા યુદ્ધ જોવા મળ્યા હતા. ઠેર ઠેર પતંગ રસિકો દ્વારા પતંગ ચગાવવાની સાથે સાથે ‘કાઈપો છે.. અને ‘એ લપેટ..’ની બૂમો સંભળાઈ હતી.
શહેરમાં આજે પણ વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબા ઉપર ચડી ગયા હતા. સવારથી સૂસવાટા મારતા ઠંડા પવનનો સાથ રહેતા પતંગબાજોએ પેચ કાપી વાસી ઉત્તરાયણની ઉજવણી શરૂ કરી હતી. ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીમાં રંગબેરંગી પતંગોનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ ગુજરાતનું આકાશ દિવસ દરમિયાન રંગબેરંગી પતંગોથી કલરફુલ બન્યું હતું.
મકરસંક્રાંતિ દાન-પુણ્યનું પણ પર્વ હોવાથી લોકોએ ગૌ માતાને ઘુઘરી, ઘાસ, તલ, સાંકળી, ચીકી, શેરડી, બોર વગેરેનું દાન કર્યું હતું. ગઈકાલે વહેલી સવારથી મંદિરોમાં ભક્તોએ ભીડ જમાવી હતી. અનેક શ્રદ્ધાળુઓ નર્મદા અને મહી નદી કિનારે સ્નાન કરવા માટે ઉમટી પડયા હતા.
અમદાવાદ સહિત પતંગપ્રેમી રસિયાઓએ ઉત્તરાયણને મન ભરીને માણી હતી. ઉત્તરાયણનું પર્વ ઉત્સાહ અને આસ્થાભેર ઉજવાયું હતું જયારે ઉત્તરાયણની સમી સાંજે લોકો મન મૂકીને ગરબે ઘુમતા જોવા મળ્યા હતા. અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગો સાથે આતશબાજી કરીને શહેરીજનોએ મકરસંક્રાંતિની રંગબેરંગી ભવ્ય ઉજવણી સાથે ઉત્તરાયણ પર્વમાં દિવાળી જેવો માહોલ ઉભો કર્યો હતો.
બીજી તરફ આતશબાજીની સાથે ગરબાના કારણે નવરાત્રીનો માહોલ પણ બન્યો હતો. લોકો ડીજેની ધૂન અને ગરબા પર મન મૂકીને ઝૂમ્યા હતા. સાથે સાથે કેટલાક ગીતો પર ઠુમકા મારતા જોવા મળ્યા હતા. એક તરફ ગુજરાતીઓએ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ઉત્તરાયણની ઢળતી સાંજે પણ લોકો ધાબા પર પતંગ ચગાવવાની મજા માણતા જોવા મળ્યા હતા.
ઉત્તરાયણ પર્વે પતંગ રસિયાઓ માટે આકાશમાં પતંગ ચગાવવાનું વધુ અનુકુળ વાતાવરણ બનાવ્યું હતું. પવનની ગતિ ૧પ થી ર૦ કિમી પ્રતિ કલાક રહી હતી જે પતંગ ઉડાડવા માટે અત્યંત અનુકુળ હતી. પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ જોવા મળી હતી, જે પતંગની મજામાં વધારો કરી રહી હતી.