ટ્રેન આવવાના સમયે મણીનગર રેલ્વે સ્ટેશન નજીક સર્જાતા ચક્કાજામનાં દ્રશ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં મણીનગર રેલ્વે સ્ટેશનનો વિસ્તાર આમ તો શાંત જણાતો હોય છે. પરંતુ રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવે કે ચારેબાજુથી રીક્ષાવાળાઓ ઉમટી પડે છે. રેલ્વે સ્ટેશનની બહાર જ ચક્કાજામ થઈ જાય છે. એકબાજુ બુલેટ ટ્રેન અંતર્ગત કામગીરી થઈ રહી છે તેને કારણે સ્વાભાવિક રીતે રોડ સાંકડો થઈ જતો હોવાથી ટ્રાફિકજામ થાય છે.
એક બાજુ બી.આર.ટી.એસની બસો, એએમટીએસની બસો, બસ સ્ટેન્ડની એક બાજુ શાકભાજીની લારીઓ, તો બીજી તરફ એ.એમ.ટી.એસના બસ સ્ટેન્ડની સામે બાજુએ ખાણીપીણીની લારીવાળાઓ ઉભા હોય છે આવામાં ટ્રાફિકજામ થાય તે સ્વાભાવિક છે જોકે પીસીઆર વાન તુરત જ આવી જાય છે તો ટ્રાફિક સાથે સંકળાયેલા જવાનો આવી જતા હોવાથી ટ્રાફિક કલીયર થઈ જાય છે.
લારીવાળા, રીક્ષાવાળા ઉભા રહે છે તેની ના નહી કારણ કે રોજી રોટી મેળવવા મહેનત કરીને રૂપિયા રળવાનો દરેકને હક્ક છે. પરંતુ જો બધા શિસ્તબધ્ધ રીતે વર્તેતો ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. ઓટો રીક્ષાવાળા કતારબધ્ધ પોતાની રીક્ષા ઉભી રાખતા હોય તો ટ્રાફિકજામની સમસ્યા સર્જાય નહિ.
મણિનગર સર્કલ પાસે વાહનો પણ પાર્ક કરેલા હોય છે આમ તો સરળતાથી ટ્રાફિક નીકળી જાય છે પરંતુ ગાડી આવવાના સમયે ભારે ગીર્દી જોવા મળે છે ચોકકસ આયોજનના અભાવને કારણે સમસ્યા સર્જાતી હોય તેનું ઉત્તમ ઉદાહરણ મણીનગર સર્કલનો વિસ્તાર છે.