ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૧૫ મહિના જૂની લડાઈ રોકવા સહમતી
નવી દિલ્હી, છેલ્લાં ૧૫ મહિનાથી ઈઝરાયેલ અને પેલેસ્ટેનિયન આતંકી જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈનો અંત લાવવા બંને પક્ષો સહમત થયાં છે. બંને પક્ષો વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતિ મુજબ હમાસ ગાઝામાં બંધક બનાવાયેલા ઈઝરાયલી નાગરિકોને મુક્ત કરશે.
સામે પક્ષે બદલામાં ઈઝરાયલ પણ હમાસના લોકોને પણ મુક્ત કરશે. જો કે, યુદ્ધવિરામ અંગે સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. અમેરિકાના નવા ચૂંટાયેલાં રાષટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦મી જાન્યુઆરીએ યોજાનારા શપથગ્રહણ પૂર્વે થયેલી યુદ્ધવિરામ અંગેની આ સમજૂતી ઈજિપ્ત અને કતારના મધ્યસ્થીઓ દ્વારા છેલ્લાં કેટલાંક મહિનાઓથી કરાઈ રહેલી મંત્રણાનું પરિણામ છે.
હમાસ સૌપ્રથમ ૧૯ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ અને યુવાનોને મુક્ત કરશે. ગાઝા ડીલનો પહેલો તબક્કો ૪૨ દિવસ ચાલશે, જેમાં હમાસ લગભગ ૩૪ બંધકોને મુક્ત કરશે.
બંને પક્ષો વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતી અંગે પ્રતિક્રિયા આપતાં અમેરિકાના નવા ચૂંટાયેલાં રાષટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં તેમના વિજયને કારણે આ શક્ય બન્યું છે. ટ્રમ્પે કહ્યું કે ગાઝામાં યુદ્ધવિરામ સમજૂતી થઈ ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું- અમે મધ્ય પૂર્વમાં બંધકો માટે કરાર કર્યાે છે. તેમને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે.
અલઝઝીરાના અહેવાલ મુજબ, કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમ અલ થાની બુધવારે હમાસ અને ઈઝરાયલના પ્રતિનિધિઓને મળ્યા હતા, જે બાદ આ ડીલ પૂર્ણ થઈ હતી.
ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં બંને પક્ષના ૪૭ હજારથી વધુ લોકો માર્યા ગયા.અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ચેતવણી ઉચ્ચારી હતી કે, ‘જો હમાસ બંધકોને મુક્ત નહીં કરે તો અમે મિડલ-ઇસ્ટને નરક બનાવી દઇશું.’ હાલ યુદ્ધવિરામના ડ્રાફ્ટ પર હમાસની મંજૂરીને ટ્રમ્પની ચેતવણીના પ્રભાવ સ્વરૂપે પણ જોવામાં આવી રહ્યું છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો કુલ ૪૨ દિવસ સુધી ચાલી શકે છે. યુદ્ધવિરામ ડીલના પ્રથમ તબક્કામાં હમાસ ૫ મહિલાઓ સહિત ૩૩ બંધકોને મુક્ત કરશે. ઈઝરાયલ ૨૫૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. ૧૫ દિવસ પછી, હમાસ બાકીના બંધકોને મુક્ત કરશે.SS1MS