Western Times News

Gujarati News

મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાનમાં ૩.૫ કરોડ ભક્તોએ ડૂબકી લગાવી

મહાકુંભનગર, પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના બીજા દિવસ ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાતિના શુભ અવસરે આશરે ૩.૫ કરોડ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી મારી હતી. શિયાળની કાતિલ ઠંડી વચ્ચે બે દિવસમાં ધાર્મિક ઉર્જાથી ભરપૂર ૬ કરોડ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં સ્નાન કર્યું છે.

‘અમૃત સ્નાન’ દરમિયાન ભક્તો પર હેલિકોપ્ટરમાંથી ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવી હતી. બુધવારે કોઇ મોટું સ્નાન ન હતું, પરંતુ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો.મકરસંક્રાતિએ સૌ પ્રથમ અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ ગંગા નદીમાં ‘અમૃત સ્નાન’ કર્યું હતું.

નાગા સાધુઓએ તેમની શિસ્ત અને પરંપરાગત શસ્ત્રોની નિપુણતાથી લોકોને મંત્રમુગ્ધ કર્યાં હતાં. કુશળતાપૂર્વક ભાલા અને તલવારો ચલાવવાથી લઈને ઉત્સાહપૂર્વક ‘ડમરુ’ વગાડીને સાધુઓએ વર્ષાે જૂની પરંપરાઓને જીવંત બનાવી હતી. પુરૂષ નાગા સાધુઓ ઉપરાંત મહિલા નાગા તપસ્વીઓ પણ મોટા સંખ્યામાં જોવા મળી હતી.

ઉત્તરપ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર મંગળવારે લગભગ ૩.૫ કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું, જે પ્રથમ દિવસના આંકડા કરતાં લગભગ બમણું છે.ત્રિવેણી સંગમના બર્ફીલા પાણી સાથે સવારના ૩ વાગ્યાની આસપાસ ‘બ્રહ્મ મુહૂર્ત’માં અમૃતસ્નાનની શરૂઆત થઈ હતી.

મહાકુંભનું પ્રથમ મુખ્ય ‘સ્નાન’ સોમવારે ‘પૌષ પૂર્ણિમા’ નિમિત્તે હતું,સૌ પ્રથમ શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીની અને શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાના સંતો અને નાગા સાધુઓએ સ્નાન કર્યું હતું. કુલ ૧૩ અખાડા મહાકુંભમાં ભાગ લઈ રહ્યાં છે.

‘હર હર મહાદેવ’, ‘જય શ્રી રામ’ અને ‘જય ગંગા મૈયા’ના મંત્રો સાથે શિયાળાની કાતિલ ઠંડીમાં સવારના ૩ વાગ્યાની આસપાસ ‘બ્રહ્મ મુહૂર્ત’માં અમૃતસ્નાનની શરૂઆત થઈ હતી.

મહાનિર્વાણી અખાડાના મહામંડલેશ્વર ચેતનગીરી મહારાજે જણાવ્યું કે પ્રયાગરાજમાં દર ૧૨ વર્ષે પૂર્ણ કુંભ યોજાય છે, પરંતુ મહાકુંભ દર ૧૪૪ વર્ષે ૧૨ પૂર્ણ કુંભ પછી એક વાર યોજાય છે.

આ પવિત્ર પ્રસંગમાં ભાગ લેવો એ ભક્તો માટે એક દુર્લભ આશીર્વાદ છે. ૬૮ મહામંડલેશ્વરો અને મહાનિર્વાણી અખાડાના હજારો સાધુઓ અમૃત સ્નાનમાં ભાગ લીધો હતો.નિરંજની અખાડાના મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે નિરંજની અખાડાના પાંત્રીસ મહામંડલેશ્વરો અને હજારો નાગા સાધુઓએ અમૃત સ્નાનમાં ભાગ લીધો હતો.

નિરંજની અને આનંદ અખાડા પછી જુના અખાડા, આવાહન અખાડા અને પંચાગ્નિ અખાડાના હજારો સંતોએ અમૃતસ્નાન કર્યું હતું. કિન્નર અખાડાના સભ્યોએ પણ પવિત્ર સ્નાન કર્યું હતું.મહાકુંભ મેળાને પગલે પ્રયાગરાજની ફ્લાઇટ્‌સના ભાડામાં તોતિંગ વધારો થયો છે.

એક ટ્રાવેલ પોર્ટલના વિશ્લેષણ મુજબ ભોપાલ અને પ્રયાગરાજ વચ્ચેનું એકતરફી હવાઈ ભાડું ગત વર્ષે ૨,૯૭૭થી ૪૯૮ ટકા વધી ૧૭,૭૯૬ થયું છે. અમદાવાથી પ્રયાગરાજનું વિમાન ભાડું ૪૧ ટકા વધી ૧૦,૩૬૪ થયું છે. દિલ્હીથી પ્રયાગરાજનું હવાઈ ભાડું ૨૧ ટકા વધી ૫,૭૪૮ થયું છે, જ્યારે મુંબઈ-પ્રયાગરાજ ફ્લાઇટ ટિકિટનો ભાવ ૧૩ ટકાનો ઉછાળો સાથે શ્૬,૩૮૧ થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.