નર્મદા જિલ્લામાં ૪૯૧૦૬ જેટલા બાળકોને પોલીયોની રસી અપાઈ
રાજપીપલા: પ્રતિવર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ બાળકો પોલીયોથી મુક્ત રહે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ગઈકાલે ટેકરા ફળિયા વિસ્તારમાં આવેલ આંગણવાડી ના પટાંગણમાં ૦ થી ૫ વર્ષના બાળકોને જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ પલ્સ પોલિયોની રસીના બે ટીપાં બાળકોને પીવડાવી પલ્સ પોલિયોના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૧,૨૩,૯૧૪ ઘરો પૈકી ૦ થી ૫ વર્ષના ૫૨,૫૫૯ બાળકોને ૧૬૯૮ ટીમ મેમ્બર દ્વારા પોલિયોની રસી પીવડાવી આવરી લેવામાં આવશે. જેમાં ૧૯ ટ્રાન્ઝિટ પોઈન્ટ ,૩ મેલા બઝાર, જેવા સ્થળોએ મોબાઈલ ટીમ કુલ ૩૭૬ બુથ દ્વારા બાળકોને પોલીયો રસીથી આવરી લેવામાં આવશે
વધુમાં ઉમેર્યું હતું કે, ૦ થી ૫ વર્ષના બાળકોમાં ૧૦૦ ટકા રસીકરણ થાય અને કોઈપણ બાળક પોલીયો રસીકરણથી વંચીત ન રહી જાય તે માટે ખાસ કાળજી રાખવા પણ જણાવ્યું હતું નર્મદા જિલ્લામાં ૪૯૧૦૬ જેટલા બાળકોને પોલીયોની રસી પણ અપાઈ હતી.
આ પ્રસંગે સ્ટેટ લાયઝન અધિકારી શ્રી ડૉ. રાજેશ ગોપાલ , નગરપાલિકાના સભ્યશ્રી ભરતભાઈ વસાવા,મુખ્ય જિલ્લા અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ ,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી (આર.સી.એચ.ઓ) ડૉ. વિપુલ ગામીત ,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.સુમનભાઈ , આરોગ્ય કર્મચારીશ્રીઓ સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.