છાપીના મહિલા સરપંચના પતિ રૂ.૧પ લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
(પ્રતિનિધિ) છાપી, રાજયમાં ભ્રષ્ટાચાર દિનપ્રતિદિન વધી રહયો છે. નાના મોટા કામ લેતીદેતી વગર થતાં નથી પરંતુ આવા ભ્રષ્ટાચારીઓ પર લાંચ રૂશ્વત વિરોધી વિભાગ ખૂબજ સક્રિય રીતે કામગીરી કરી રહયું છે. બનાસકાંઠાના છાપીમાં ગુરૂવારે એસીબીની ટ્રેપમાં સરપંચના પતિ અને તેમનો એક મળતીયો રૂ.૧પ લાખની લાંચ લેતા પકડાયા હતાં. જોકે આ બંનેએ રૂપિયા પ૦ લાખની માંગણી કરી હતી.
લાંચ રૂશ્વત વિરોધી વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ છાપી સી.આઇ.ડી.સી માં વર્ષ ૨૦૧૯ માં જાહેર હરાજી દ્વારા ટી.ડી.ઓ સાહેબ દ્વારા કુલ ૨૭ પ્લોટ આપેલ હતા , તે પૈકી એક પ્લોટ ફરીયાદી એ ખરીદેલ હતો, પાછળ થી આ હરાજી બાબતે અરજીઓ થતાં ડી.ડી.ઓ બનાસકાંઠા દ્વારા હરાજી રદ કરતો હુકમ કરતાં , પ્લોટ ઘારકો એ વિકાસ કમિશ્નર ગાંઘીનગર રીવીઝન અરજી કરતાં વિકાસ કમિશ્નર તરફ થી ડીડીઓ નો હુકમ રદ કરી પ્લોટ ઘારકો ની તરફેણ માં હુકમ કરેલ હતો .
ત્યારબાદ, વિકાસ કમિશ્નર નાં ઉપરોક્ત હુકમ ની વિરુદ્ધ માં પંચાયત તરફ થી નામદાર હાઈકોર્ટ માં રીટ પીટીશન દાખલ કરી મનાઇ હુકમ માંગેલ હતો પરંતુ હાઈકોર્ટ તરફ થી મનાઇ હુકમ કે કોઇ વચગાળા નો હુકમ કરેલ નહી હોવા છતાં , પંચાયત દ્વારા ફરીયાદી એ પોતાના પ્લોટ માં કરેલ બાંધકામ તોડી નાંખેલ અને તમામ પ્લોટનો કબજો લઇને પંચાયતની માલીકી નાં હોવાનું બોર્ડ મારી દીધેલ હતું .
ગ્રામ પંચાયત માં સરપંચ તરીકે તમામ વહીવટ તેમના પતી મુકેશ ભાઇ સંભાળતાં હોઇ ફરીયાદી એ સરપંચ નાં પતી મુકેશ ભાઇ નો સંપર્ક કરી હાઈકોર્ટ માં કરેલ રીટ પીટીશન પરત ખેંચવા અને પોતાના તથા અન્ય પ્લોટ ઘારકો ને ની પ્લોટ ની માલીકી પરત આપવા વિનંતી કરતાં સરપંચ નાં પતીએ રૂ.૫૦,૦૦,૦૦૦/- ની લાંચ ની માંગણી કરેલ , અને રકઝક માં અંતે ૩૫,૦૦,૦૦૦/- આપવા નું નક્કી થયેલ હતું , અને તે પૈકી રૂ.૧૫,૦૦,૦૦૦/- આજ રોજ આપવા નો વાયદો કરેલ હતો .
પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા , આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ, આ લાંચનાં છટકા દરમ્યાન બન્ને આરોપી સાથે ફરીયાદી ની ઓફીસે લાંચ નાં નાણાં લેવા આવેલ , અને તે પૈકી આરોપી નં-૨ પ્રવિણ ઠાકોર ફરીયાદી ની ઓફીસ માં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ ની માંગણી કરી , સ્વીકારી પૈસા લેતા રંગે હાથ પકડાયેલ છે
અને આરોપી નં-૧ મુકેશ ચૌધરીને ફરીયાદી ની ઓફીસ ની બહાર તેમની ગાડી માથી પકડવામાં આવેલ છે. આ કેસમાં ટ્ર્ેપીંગ ઓફિસર તરીકે એસ.એન.બારોટ, તથા મદદમાં ડી.બી.મહેતા તથમ સુપરવિઝન ઓફિસર તરીકે એ.વી. પટેલ હતા.