વાસણ આહિરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ હેલ્થ મિશનની બેઠક યોજાઈ
પાટણ:પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ હેલ્થ મિશનની બેઠક યોજાઈ હતી. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરીકોને પુરી પાડવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓ અને યોજનાઓની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રીશ્રીએ સમયસર આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે અધિકારીશ્રીઓને અપીલ કરી હતી.
ડિસ્ટ્રીક્ટ હેલ્થ મિશનની બેઠકમાં ડિસેમ્બર ૨૦૧૯ સુધી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ભારત સરકાર અમલીત જનની સુરક્ષા યોજના, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા ગુજરાત સરકાર અમલીકૃત કસ્તુરબા પોષણ સહાય યોજના, ચિરંજીવી યોજના, બાલ સખા યોજના, મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં લક્ષ્યાંકો અને સફળ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તબીબી સહાય યોજના, વાહન અકસ્માત સહાય યોજના તથા ઈન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
સાથે સાથે પોલીયો રસીકરણ, મેલેરીયા તથા ડેન્ગ્યુના રોગો થતા અને ફેલાતા અટકાવવા દવાના છંટકાવ અને દવાયુક્ત મચ્છરદાનીના વિતરણ સહિતની કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, રીવાઈઝ્ડ નેશનલ ટી.બી. કંટ્રોલ પ્રોગ્રામ, નેશનલ એઈડ્સ કંટ્રોલ પ્રોગ્રામ તથા રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ હેઠળની કામગીરીના અહેવાલ રજૂ કરવામાં આવ્યા. જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ અને યોજનાઓ અંગેની નાણાકીય જોગવાઈઓ, મંજુર કરવામાં આવેલ બજેટ અને થયેલ કુલ ખર્ચની વિગતો સમીક્ષા બેઠકમાં રજૂ કરવામાં આવી.
પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના વિભાગના સંકલનમાં પાંચ વર્ષ સુધીના બાળકો, આંગણવાડીના બાળકો અને શાળાએ ન જતી કિશોરીઓ એનેમીયા મુક્ત બને અને કુપોષણથી મુક્તિ મળે તે માટે શરૂ કરવામાં આવેલા સ્પંદન પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવતી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. પ્રભારી મંત્રીશ્રીએ પ્રોજેક્ટ અને તેની સફળતાની વિગતો અંગે ચર્ચા કરી આરોગ્ય તંત્રની પહેલની સરાહના કરી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખની ઉપસ્થિતીમાં યોજાયેલ ડિસ્ટ્રીક્ટ હેલ્થ મિશનની બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એ.એસ.સાલ્વીએ ગત બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ અંગે કરવામાં આવેલા સુચનોની અમલવારી તથા ચાલુ વર્ષે કરવામાં આવેલી આરોગ્યલક્ષી કામગીરી અંગેની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયતની આરોગ્ય, શિક્ષણ તથા સામાજીક ન્યાય અને અધિકારીતા સહિતની સમિતિના ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને ચીફ ઑફિસરશ્રીઓ, જિલ્લા આરોગ્ય તંત્રના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા આઈ.સી.ડી.એસના અધિકારીશ્રીઓ સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.