બાલીસણામાં આયુષ્યમાન કાર્ડની મંજૂરી મળતા ખેડૂતની સારવાર કરાઈ
તલોદ તાલુકાના ભાજપના પ્રમુખે દરમ્યાનગીરી કરી
તલોદ, તલોદ તાલુકાના બાલીસણા ગામના ખેડૂતની આયુષ્યમાન કાર્ડની મંજૂરીના કારણે સારવાર અટકતા તલોદ તાલુકાના ભાજપ પ્રમુખની દરમિયાનગીરીથી એપ્રુવલ મેળવી સારવાર ચાલુ કરાવતા ભાજપ પ્રમુખની કામગીરીની સરાહના થઈ રહી છે.
આ અંગે મળતી વિગતો મુજબ તલોદ તાલુકાના બાલીસણા ગામના ગોપાલસિંહ પ્રતાપસિંહ પરમાર ખેતી કરી ગુજરાન ચલાવતા હતા દરમિયાન ગત તા.૧૦ જાન્યુ.ના રોજ હાર્ટએટેક આવ્યો હતો જેમને સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હતુ પણ કાર્ડ એક્ટિવ ન હતું
જેના કારણે તેમની સારવાર અટકી ગઈ હતી અને આયુષ્યમાન કાર્ડને એક્ટિવ કરાવી એપ્રુવલ મેળવવામાં દસ દિવસ જેટલો સમય લાગે એમ હતો. બીજી તરફ કેટલીક હોસ્પિટલો દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ગેરરીતીઓ આચરવામાં આવતા સરકાર દ્વારા રોગની સારવારની એપ્રુવલની મંજુરી આપવા વધુ ચકાસણી કરી ત્યારબાદ મંજુરી આપવામાં સમય લાગતો હોવાથી ગોપાલસિંહની સારવાર અટકી ગઈ હતી.
આ સંદર્ભે તેમના પરિવારના સભ્યોએ તલોદ તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલાને જાણ કરાતા કનકસિંહ ઝાલાએ રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને રજુઆત કરી ગોપાલસિંહ પરમારની સારવાર ચાલુ થાય તે માટે રજૂઆત કરતા તેઓએ તંત્રને તાત્કાલિક અસરથી એપ્રુવલ આપવા સૂચના આપી હતી અને તરત એપ્રુવલ મળતા ગોપાલસિંહની હાર્ટ એટેકના કારણે બાયસપાસ સર્જરીની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
આમ કનકસિંહ ઝાલાની રજૂઆતને કારણે સારવાર શરૂ થતાં ગોપાલસિંહ પરમારને આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત હાર્ટ એટેકથી બ્લોક થયેલ બે નળીઓની સારવાર મળતાં તેમના પરિવારે તલોદ તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલાનો આભાર વ્યકત કર્યો હતો.