પાટણ નગરપાલિકાના વોર્ડ નં.૧ ખાતેથી સાતમી આર્થિક ગણનાની શરૂઆત
પાટણ: પાટણ જિલ્લા પંચાયત ખાતે આર્થિક ગણતરીકારો માટે તાલીમ સેમિનાર યોજાયો હતો. જેમાં આર્થિક સર્વેક્ષણકારોને આર્થિક ગણતરી સમયે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પાટણ જિલ્લામાં આજથી શરૂ થયેલી આર્થિક ગણતરી માટે આર્થિક સર્વેક્ષણકારોએ સ્થળ પર જઈ આર્થિક ગણનાની શરૂઆત કરી હતી.
ઉદ્યોગ-ધંધાના વિકાસ અને નાગરીકોની આર્થિક સ્થિતીનું આકલન કરવા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલી સાતમી આર્થિક ગણતરી અંતર્ગત પાટણ જિલ્લામાં આર્થિક ગણતરીનો આરંભ કરવામાં આવ્યો છે. જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર હેઠળ કાર્યરત ૨૪૮ વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોરના સુપરવિઝન અને સંકલનમાં રહી ૧૪૮૬ જેટલા આર્થિક સર્વેક્ષણકારો દ્વારા જિલ્લાના તમામ રહેણાંકો, કચેરીઓ તથા ધંધાદારી એકમો વગેરેની મુલાકાત લઈ પ્રાથમિક માહિતી એકત્ર કરવામાં આવશે.
સાતમી આર્થિક ગણનામાં સૌપ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આર્થિક ગણતરીકારો દ્વારા સ્થળ પર જઈ એકત્ર કરેલી માહિતી મોબાઈલ એપ્લિકેશનમાં દાખલ કરશે. જેના કારણે સચોટ માહિતી અને તેનુ સુપરવિઝન શક્ય બનશે.
પાટણ સી.એસ.સીના મેનેજર તથા આર્થિક ગણતરીકારો દ્વારા જિલ્લા આંકડાશાસ્ત્ર અધિકારીશ્રી બાબુભાઈ રાવલ તથા સંશોધન અધિકારીશ્રી અનિલભાઈ સાધુની ઉપસ્થિતીમાં પાટણ નગરપાલિકાના વોર્ડ નં.૧માં આવેલી દુકાનો તથા સોસાયટીથી આર્થિક ગણનાની શરૂઆત કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, તા.૧૫ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યમાં આર્થિક ગણતરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. દેશમાં રોજગારની સાચી પરિસ્થિતીનું ચિત્ર સ્પષ્ટ થાય તે માટે મિનીસ્ટ્રી ઑફ સ્ટેટીસ્ટીક્સ ઍન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન દ્વારા સાતમું આર્થિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.