બોપલ ૯૦ લાખની લૂંટમાં લૂંટારુ ઝડપાયાઃ માત્ર ૮૦ હજાર મળ્યા!
અમદાવાદ, બોપલ વિસ્તારમાં ૨ જાન્યુઆરીએ કનકપુરા જ્વેલર્સમાં ધોળા દિવસે બંદૂકની અણીએ ચાર શખ્સો ૯૦ લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ કરી ઉત્તર પ્રદેશ સહિતની જગ્યાએથી ચાર આરોપીને ઝડપી લીધા છે.
તેઓ સ્થાનિક વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડસ તરીકે કામ કરતા હતા અને લૂંટ માટે રેકી કરતા હતા. આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા ગ્રામ્ય કોર્ટના જજ કે. એન. નિમાવતે આરોપીઓના ૧૩ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. બીજી તરફ આરોપીઓ ૯૦ લાખની લૂંટ કરી હતી તે પૈકી ફક્ત ૮૦ હજાર જ પોલીસને મળ્યા છે.
આરોપીઓએ સોનું નોઇડા જ્વેલર્સને વેચી દીધું હોવાથી પોલીસે તપાસ માટે ત્યાં જવા તજવીજ હાથ ધરી છે.લૂંટ બાદ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા લૂંટારાની વિગતો મળી હતી. પૂછપરછમાં તેઓ સિક્યુરિટી ગાર્ડ હોવાનું અને ઉત્તર પ્રદેશના હોવાનું જાણી શકાયું હતું.
તેને પગલે પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને ગાઝીયાબાદ, હાપુર, ફરૂખાબા, અલીગઢ અને નોઈડામાં સર્ચ કરીને ચારેય આરોપીને ઝડપી લીધા હતા. પૂછપરછમાં બિરેન્દ્રકુમાર શ્રીચંદ્રપાલ ખટીક (ઉ.વ.૫૫, રહે. નોઈડા), જાવેદ ઉર્ફે પતરી સલીમઅહેમદ રાંગડ (ઉ.વ.૪૫, રહે. ઉત્તર પ્રદેશ, કસ્બા ગુલાવઠી), અમરસિંહ માધવસિંહ જાટબ (ઉ.વ.૫૫, રહે. ઉત્તર પ્રદેશ) અને જોતસિંગ મેવારામ દિવાકર (ઉ.વ.૩૫. રહે. ઉત્તર પ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.
લૂંટનો પ્લાન કર્યા બાદ ૩ મહિના સુધી અલગ અલગ જ્વેલર્સ શોપની રેકી કરી હતી અને કનકપુરા જ્વેલર્સની આસપાસ ખુલ્લી જગ્યા હોવાથી અને લૂંટ કર્યા બાદ સરળતાથી ભાગી શકાય તેમ હોવાથી કનકપુરા જ્વેલર્સને ટાર્ગેટ કરી લૂંટને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
આરોપી જાવેદ અઢી વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં લૂંટના ગુનામાં જ્યારે બિરેન્દ્રકુમાર ૨૦૦૭માં ઉત્તર પ્રદેશ કબીરનગરમાં લૂંટના ગુનામાં પકડાયેલા પણ હતા.૯૦ લાખની સોના-ચાંદી લૂંટ કેસમાં ઝડપાયેલા ચારેય આરોપીને બોપલ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી.ગોહિલે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા.
જ્યાં સરકારી વકીલ તુષાર એલ. બારોટે રિમાન્ડ અરજી અંગે દલીલ કરતા જણાવ્યું હતું કે, ઝડપાયેલ આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા સોના ચાંદીના દાગીના તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૯૦.૧૦ લાખના મુદ્દામાલમાંથી ફક્ત બે સોનાની લગડી કિં.રૂ. ૮૦,૦૦૦ની મળી છે.
બાકીના દાગીના તેમજ મોબાઇલ ફોન કયાં સંતાડેલા છે? કોને આપેલા છે ? આરોપીઓ પાસેથી ત્રણ દેશી તમંચા પૈકી ફક્ત એક જ દેશી તમંચો રિકવર થયો છે, બાકીના બે દેશી તમંચા ક્યાં સંતાડેલા છે? આરોપીઓને દેશી તમંચા યુસુફ કલામ મેવાતી (રહે. યુ.પી.)એ આપ્યા હતા અને લૂંટ કરવા આર્થિક મદદ કરી હોવાનું આરોપીઓ જણાવતા હોય પરંતુ તેનું પૂરું નામ સરનામું બતાવતા ન હોય અને યુસુફ કલામને પકડવાનો બાકી છે જે ને હાલના આરોપીઓ સારી રીતે ઓળખતા હોય આરોપીઓને સાથે રાખી સહઆરોપીની તપાસ કરવી જરૂરી છે, આરોપીઓ લૂંટ કરવા લઇને આવેલ બે બાઇક કોની માલિકીના છે? તે બાઇકો પણ લૂંટ કે ચોરીના છે કે કેમ ? તેની તપાસ કરવાની બાકી છે.