Western Times News

Gujarati News

બાંગ્લાદેશી બોર્ડર ક્રોસ કરીને કલકત્તા થઈને અમદાવાદમાં ઘુસ્યોઃ 2500રૂમાં આધારકાર્ડ-પાનકાર્ડ બનાવ્યા

પ્રતિકાત્મક

ભારતીય હોવાનો બોગસ પુરાવો બનાવીને રહેતાં બાંગ્લાદેશી રિયાઝ શેખને એસઓજીએ ઝડપી લીધો

(એજન્સી)અમદાવાદ, બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને અવારનવાર અમદાવાદમાં ઘૂસણખોરી કરતા યુવકની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ધરપકડ કરી છે. વર્ષ ર૦૧૯માં એસઓજીએ યુવકની ધરપકડ કરીને બાંગ્લાદેશ ડીપોર્ટ કર્યો હતો. યુવકને બાંગ્લાદેશમાં કામ નહીં મળતાં તે એક વર્ષ પહેલાં બોર્ડર ક્રોસ કરીને અમદાવાદ આવી ગયો હતો. Bangladeshi crossed the border and entered Ahmedabad via Calcutta: Aadhar card-PAN card made for Rs 2500

જ્યાં તે ભારતીય હોવાનો બોગસ પુરાવો ઊભો કરીને રહેવા લાગ્યો હતો. ગઈકાલે એસઓજીની ટીમે બાંગ્લાદેશી યુવકની ભારતીય તેમજ બાંગ્લાદેશના પુરાવા સાથે ધરપકડ કરી છે.

યુવકે રપ૦૦ રૂપિયા આપીને પાનકાર્ડ અને આધારકાર્ડ બનાવી દીધા હતા. યુવકને પુરાવા બનાવી આપનાર બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, રિયાઝ શેખ નામનો બાંગ્લાદેશી ફરીથી બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘૂસી આવ્યો છે અને વટવા વિંઝોલ પાસે ફરી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદી સહિતનો સ્ટાફ તરત જ વટવા વિંઝોલ પાસે પહોચી ગયો હતો અને રિયાઝ શેખની અટકાયત કરી હતી. રિયાઝ શેખ વિંઝોલ પાસે આવેલા વિવેકાનંદર ખાતે દિનદયાળ સાત માળિયામાં રહેતો હતો.

એસઓજીની ટીમે તેની અટકાયત કરીને વડી કચેરીએ લાવી હતી જ્યાં તેની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન રિયાઝ શેખે જણાવ્યું હતું કે, તે બાંગ્લાદેશનો નાગરિક છે અને એક વર્ષ પહેલાં તે બોર્ડર ક્રોસ કરીને ભારત આવ્યો હતો. એસઓજીની રિયાઝની અંગઝડતી કરતાં તેની પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, ડેબિટકાર્ડ તેમજ બાંગ્લાદેશી હોવાનો પુરાવો મળી આવ્યો હતો. એસઓજીએ તેની વધુ પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી છે કે તે અમદાવાદમાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.

એસઓજીએ રિયાઝ શેખની વર્ષ ર૦૧૯માં ધરપકડ કરી હતી અને બાદમાં તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કર્યો હતો. રિયાઝ શેખ રોજીરોટી માટે વર્ષ ર૦૧૮માં અમદાવાદ આવ્યો હતો અને બૂટ ચંપલ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એસઓજીએ તેની ધરપકડ કરી હતી અને પરત બાંગ્લાદેશ મોકલી આપ્યો હતો.

બાંગ્લાદેશમાં ડિપોર્ટ થયા બાદ પણ રિયાઝ શેખને ત્યાં કોઈ કામધંધો મળ્યો નહીં અને તેણે અમદાવાદ પરત આવવાનો પ્લાન કરી લીધો હતો. રિયાઝ બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને અમદાવાદ સુધી યેનકેન પ્રકારે પહોંચી ગયો હતો. જ્યાં તેણે પોતાના ઓળખીતા મારફતે ભારતીય હોવાના પુરાવા બનાવી દીધા હતા.

રિયાઝ શેખ વિવેકાનંદમાં આવેલા દિનદયાળ સાત માળિયાના મકાનમાં રહેતો હતો અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. એસઓજીએ પાકી બાતમીના આધારે તેની ધરપકડ કરી છે. બોગસ ડોક્યુમેન્ટના મામલે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેના ઓળખીતા અનિક દાસે રૂપિયા લઈને ડોક્યુમેન્ટ બનાવી દીધા છે. અનિક દાસ પણ બાંગ્લાદેશી છે અને તે બોગસ ડોકયુમેન્ટ બનાવવામાં માહેર છે.

અનિક દાસે રપ૦૦ રૂપિયા લઈને રિયાઝ શેખના આધારકાર્ડ, પાનકાર્ડ બનાવી આપ્યા હતા. આ બે ડોકયુમેન્ટના આધારે રિયાઝ શેખે બે બેન્કમાં પોતાના એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા. પોલીસે હાલ તેની ધરપકડ કરીને તેની વિરૂદ્ધ ખોટા ભારતીય દસ્તાવેજ બનાવવાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે હાલ અનિક દાસને શોધવા માટે તજવીજ શરૂ કરી છે. એસઓજીએ ક્રાઈમ બ્રાન્ચમાં બન્ને વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.