જૂના સચિવાલયમાં સિનિયર કલાર્ક તરીકે નિવૃત્ત થયેલી વૃદ્ધ મહિલાને જાનવરની જેમ રાખતો પુત્ર
પુત્રએ સગી જનેતાને કેદ કરી ઢોરની જેમ માર માર્યો-ઘાટલોડિયા પોલીસે માતાને સારવાર માટે ખસેડી પુત્ર સામે ગુનો નોંધ્યો
(એજન્સી)અમદાવાદ, જૂના સચિવાલયમાં સિનિયર કલાર્ક તરીકે નિવૃત્ત થયેલી એક વૃદ્ધ મહિલાનું જીવન આજે પ્રાણીસંગ્રહાલયમાં બંધ જાનવર કરતાં પણ બદતર થઈ ગયું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
વૃદ્ધાને તેમનો જ પુત્ર જાનવરની જેમ રૂમમાં પૂરીને રાખતો હતો અને બે સમય જમવાનું તેમજ ચા પાણી આપતો હતો. જ્યારે પુત્ર સુરાતન ઉપડે ત્યારે વૃદ્ધાને ડંડાથી સતત માર મારતો હતો. ચાર દિવસ પહેલાં વૃદ્ધાને સતત ડંડાથી માર મારતા રીતસર સોર પાડી દીધા હતા.
તેણે આટલેથી નહીં અટકતા વૃદ્ધાના માથામાં સ્ટીલની બોટલથી માર માર્યો હતો અને મોઢા પર ફેંટો મારી દીધી હતી. પુત્રએ વૃદ્ધાની યા કરીને તેમની લાશને કોથળીમાં પેક કરીને કયાંક નાંખી દેવાની પણ ધમકી આપી હતી.
ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી અમરપુરા સોસાયટીમાં રહેતા ૬પ વર્ષીય ગીતાબહેન રબારીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં દિકરા સુધીર વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. ગીતાબહેન હાલ નિવૃત્ત છે અને ગાંધીનગર જૂના સચિવાલયમાં ડાયરેકટર ઓફ પેન્શન પેમેન્ટ વિભાગમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. ગીતાબહેનના પતિ બળદેવભાઈ મિરઝાપુર ખાતે સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા હતા. જે વર્ષ ર૦૧૬માં નિવૃત્ત થયા હતા.
ગીતાબહેનને એક દીકરી છે જેના લગ્ન મેમનગર ખાતે થયા છે જ્યારે એક દિકરો સુધીર છે જે પત્ની અને બાળકો સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. બે વર્ષ પહેલાં માતાજીની જાતર કરવાની હોવાથી ગીતાબહેન સહિતનો પરિવાર કંકોત્રી લખવા માટે લિસ્ટ બનાવતો હતો. આ દરમિયાન ગીતાબહેન અને સુધીર વચ્ચે બોલાચાલી થઈ હતી
જેથી ગીતાબહેન રીસાઈને તેમના પિયર જવા માટે નીકળી ગયા હતા. સોસાયટીના સભ્યો ગીતાબહેનને સમજાવીને ઘરે પરત લાવ્યા હતા ત્યારથી તેમના સુધીર સાથેના સંબંધ ખોટા થઈ ગયા હતા. સુધીર માતા ગીતાબહેન સાથે અણગમો રાખતો હતો. સુધીર સહિત ઘરના સભ્યોએ ગીતાબહેનને એકલા પાડી દીધા હતા અને સારસંભાળ પણ રાખતા નહીં.
ગીતાબહેનનું પેન્શન આવે તે પણ સુધીર બેન્કમાં જઈને લઈ આવતો હતો અને તેમને દવાના રૂપિયા પણ આપતો નહીં. થોડા સમય પહેલાં ગીતાબહેને રૂપિયા માંગતાં સુધીર ગિન્નાયો હતો અને તેમની સાથે મારઝૂડ કરી હતી. ગીતાબહેન જમીન પર પડી ગયા હતા ત્યરે સુધીરે તેમના મોંઢા પર મુક્કા માર્યા હતા. સુધીર એટલે હદે હેવાન થઈ ગયો તે માતા ગીતાબહેનને રૂમમાં પૂરી રાખતો હતો અને બન્ને ટાઈમ જમવાનું અને ચા આપતો હતો.
સુધીર ગીતાબહેનને રૂમમાં પૂરી દઈને દરવાજે તાળું મારી દેતો હતો. ચાર દિવસ પહેલાં સુધીરને સુરાતન ચઢયું તો તેણે ગીતાબહેનને સતત ડંડાથી માર માર્યો હતો. સુધીર સતત ડંડાથી માર મારી ગીતાબહેનને સોર પાડી દીધા હતા. ત્યારબાદ મોઢા પર મુક્કા મારવાના શરૂ કરી દીધા હતા. આટલેથી નહીં અટકતા ગીતાબહેનના માથામાં સ્ટીલની બોટલ મારી દીધી હતી.
ગીતાબહેને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. સુધીરે ગીતાબહેનને ધમકી આપી કે જો તું મારા વિરૂદ્ધ સોસાયટીના સભ્યોને કંઈ કહીશ તો તને જાનથી મારી નાંખીશ અને કોથળીમાં પૂરીને ક્યાંક નાંખી આવીશ. ઈજાગ્રસ્ત ગીતાબહેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ઘાટલોડિયા પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ગીતાબહેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.