Western Times News

Gujarati News

પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું ભરૂચ પાલિકાના વોર્ડ નં.૧૧માં

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૧ ના નગર સેવક અને વોટર વર્કસ કમિટીના ચેરમેનના વોર્ડમાં આવેલ સોનેરી મહેલથી એદ્રુસ રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની સમસ્યા સર્જાતા વિપક્ષને રજુઆત કરવામાં આવતા વિપક્ષ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જે બાદ ફોલ્ટ રીપેર થઈ જતાં સમસ્યાનો અંત આવ્યો હતો.તો બીજી તરફ પાલિકા પટાંગણમાં રહેલી પાણીની ટાંકીનો વાલ લીકેજ થતાં તેમાંથી વહી રહેલા પાણીને વેડફાતા અટકાવવા તંત્રને દકાર લેવામાં પણ રસ ન હોય તેમ લાગી રહ્યું છે.

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૧ નગર સેવક અને વોટર વર્કસ કમિટીના ચેરમેનના વિસ્તાર સોનેરી મહેલથી એદ્રુસ રોડ વિસ્તારમાં પાણીની લાઈનમાં ફોલ્ટ થતાં છેલ્લા ૧૦-૧૨ દિવસથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.આ બાબતે વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદને રજૂઆત કરતા તેઓએ સ્થળ મુલાકાત લઈ સમસ્યાની માહિતી મેળવી સમસ્યાના કાયમી નિવારણ માટે વોટર વર્કસના અધિકારીને રજૂઆત કરી હતી.તો બીજી તરફ પાલિકા પટાંગણમાં જ પાણીની ટાંકી માંથી પાણીનો બગાડ થતો જોવા મળ્યો હતો.

જૂના ભરૂચના સોનેરી મહેલથી એદ્રુસ બાવા દરગાહ વિસ્તારમાં પાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા છેલ્લા ૧૦-૧૨ દિવસથી પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે.આ અંગે અહીંના લોકોએ પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદને રજૂઆત કરતા તેઓ સ્થળ પર જઈ પાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીની માહિતી મેળવવા સાથે આ અંગે વોટર વર્ક્સના અધિકારી સાથે ચર્ચા કરી વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરી પાણી ચાલુ કરવામાં આવે તેમજ તે બાદ જો લાઈન બદલવાની જરૂરિયાત હોય તે બદલી કાયમી નિવારણ માટે પણ રજૂઆત કરી લોકોને પાણીની સમસ્યાના નિવારણ માટેની હૈયા ધારણા આપી હતી અને ૧૦ દિવસ બાદ સમસ્યાનો અંત આવતા સ્થાનિકોને પાણી મળ્યું હતું.

તો બીજી તરફ પાલિકાના પટાંગણમાં રહેલ ટાંકી માંથી ફાયર વિભાગ દ્વારા પાણી ભરવામાં આવે છે.જે ટાંકીનો વાલ લીકેજ હોવાથી છેલ્લા ઘણા સમયથી પાણી વહી રહ્યું છે તેમ છતાં પાલિકાના કોઈ અધિકારી કે સત્તાપક્ષના કોઈ હોદ્દેદારોને નજરે નહિ પડતા અત્યાર સુધીમાં લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે અને હજુ પણ વેડફાઈ રહ્યું છે.પાણીની ટાંકીની બાજુમાં ફાયર વિભાગ તેમજ ફાયર અધિકારીની ઓફીસ આવેલ છે.પટાંગણમાં પાણી ભરેલ હોવા છતાં ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ વોટર વર્કસના અધિકારીઓ દ્વારા નજર અંદાજ કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.