Western Times News

Gujarati News

સૈફ અલી ખાન પર ચપ્પાથી હુમલો કરનાર કયા દેશમાંથી આવ્યો હતો?

પકડાયેલો આ આરોપી બાંગ્લાદેશનો વતની હોઈ શકે છે

(એજન્સી) મુંબઈ, બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે મુખ્ય આરોપી હુમલાખોરને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીનું સાચું નામ જાહેર કરતાં જણાવ્યું કે તે મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહેજાદ છે. તે બાંગ્લાદેશી હોવાની આશંકા છે કેમ કે તેની પાસે કોઈ ભારતીય પુરાવા નથી.

તે પોતાની ઓળખ છુપાવવા માટે વિજય દાસ, બિજોય દાસ કે પછી મ્ત્ન તરીકે પોતાની ઓળખ આપી રહ્યો હતો. હાલમાં તેની ધરપકડ કરી ખાર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ડીસીપીએ કહ્યું હતું કે આરોપીએ કબૂલ્યું છે કે તે ચોરીના ઈરાદે જ ઘરમાં ઘૂસ્યો હતો. તેને ખબર નહોતી કે આ સૈફ અલી ખાનનું ઘર છે.

પ્રાથમિક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી પોતાનું નામ બિજોય દાસ કે પછી મોહમ્મદ ઈલિયાસ જેવા નામો આપી રહ્યો હતો. જોકે પોલીસે પૂછપરછ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પકડાયેલો આ આરોપી બાંગ્લાદેશનો વતની હોઈ શકે છે અને તે ૫-૬ મહિના પહેલાં જ તે મુંબઈ આવ્યો હોવાની ચર્ચા છે.

મોડી રાતે લગભગ ૧૦૦ જેટલી ટુકડી સાથે કાર્યવાહી કરતાં પોલીસે થાણેના હીરાનંદાણી એસ્ટેટની નજીક બનેલા લેબર કેમ્પ નજીક આવેલી ઝાડીઓમાંથી તેને પકડી પાડ્યો હતો.

મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદને ૫ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ફરિયાદ પક્ષે મેજિસ્ટ્રેટ પાસે ૧૪ દિવસની પોલીસ કસ્ટડી માગી હતી પરંતુ ફક્ત ૫ દિવસની કસ્ટડી મંજૂર રખાઈ હતી.

મુંબઈ પોલીસના તપાસ અધિકારીએ મેજિસ્ટ્રેટને જણાવ્યું કે આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યો અને અભિનેતા અને અન્ય બે લોકો પર છરી વડે ૬ વાર હુમલો કર્યો હતો. તપાસ અધિકારીએ મેજિસ્ટ્રેટ સમક્ષ દલીલ કરી હતી કે તે બાંગ્લાદેશી છે અને તે જાણવું જરૂરી છે કે તે માન્ય દસ્તાવેજો વિના ભારત કેવી રીતે આવી શક્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.