ઓનલાઈન ઘેર બેઠા લાખો કમાવાની લાલચમાં યુવાનો છેતરાય છે
ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને યુવક સાથે ત્રણ લાખ રૂપિયાની ઠગાઇ
અમદાવાદ, ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને કૃષ્ણનગરના યુવક સાથે ૩.૦૯ લાખ રૂપિયાની ઠગાઇ થઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં યુવકને પહેલો ટાસ્ક પૂરો કરવા સામેવાળાએ ૧૦૦૦ રૂપિયા ગૂગલ પેથી નખાવ્યા હતા. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ ૧૪૧૦ રૂપિયા પરત કરતા યુવકને વિશ્વાસ આવી ગયો હતો અને તેણે જુદા જુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
નિકોલ વિસ્તારમાં ૨૭ વર્ષિય ફેનિલ સુરેશભાઇ ગોયાણી પરિવાર સાથે રહે છે અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તે પોતાના ઉપયોગ માટે બેંક ઓફ મહારાષ્ટ્ર અને કોટક મહિન્દ્રા બેંકમાં ખાતું ધરાવે છે. ૧૨ જાન્યુઆરીના રોજ ફેનિલ પોતાના ઘરે હાજર હતો ત્યારે વોટ્સએપમાં અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો અને તમે ટાસ્ક રમી પૈસા કમાવા ઇચ્છો છો તેવી પુચ્છા કરી એક લીંક મોકલી હતી.
જેથી ફેનિલે તે લીંક ઓપન કરી હતી અને એક ટાસ્ક પૂરો કરતા રૂ. ૨૧૦ રૂપિયા જમા થયા હતા. ત્યારબાદ બીજી અન્ય ચેનલોમાં પણ તે જોડાયો હતો અને ટાસ્ક પૂરા કર્યા હતા. જેના બદલામાં નજીવી રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. છેલ્લે વિનોદ શર્મા નામની ટેલિગ્રામ ચેનલ પરથી એક લીંક મોકલી હતી અને કહ્યું હતું કે, ૧૦૦૦ રૂપિયા ગૂગલ પેથી મોકલી આપો થોડા સમયમાં બીજા પૈસા કમાઇને આપીશું.
તેથી તાત્કાલીક ૧૦૦૦ રૂપિયા ગૂગલ પે કરતા અડધો કલાકમાં ૧૪૧૦ રૂપિયા પરત મોકલી આપ્યા હતા. જેથી ફેનિલને વિશ્વાસ આવી ગયો હતો તેથી તેણે ફરી ૩૦૦૦ મોકલી આપ્યા હતા અને ત્યારબાદ ૩૦૦૦ પરત મેળવવા કહ્યું હતું. ત્યારે સામેવાળી વ્યક્તિએ એક ટાસ્ક પૂરો કરો અને ૨૫ હજાર જમા કરાવો તેવી લાલચ આપી હતી.
ઉપરાંત તમારા પૈસાનું ક્રિપ્ટોમાં રોકાણ કરીશું અને ઘણું મોટું વળતર મળશે તેમ કહી યુનીકોન નામની ક્રિપ્ટો કરન્સી ખરીદવા અલગ અગલ ખાતા નંબર મોકલી આપ્યા હતા. જેથી જુદા જુદા છથી વધુ ખાતામાં ટુકડે ટુકડે ફેનિલે ૩.૦૯ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જેની સામે એક લીંક મોકલી આપી હતી. જેમાં ૩.૫૦ લાખ રૂપિયા બેલેન્સ હોવાનું જણાવ્યું હતું.
પરંતુ તે બેલેન્સ ઉપાડી શકતો ન હતો. જેથી તેણે આ મામલે તેના મિત્રને જાણ કરી હતી. જેથી તેના મિત્રએ તેની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાતા તેણે ઓનલાઇન ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ મામલે ફેનિલે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.