બદલો લેવા માટે સાળા-બનેવીએ બગી પર ચઢી યુવકને છરીના ઘા ઝીંકયાં
(એજન્સી)અમદાવાદ, અકસ્માતમાં યુવકના મોતનો બદલો લેવા માટે સાળા-બનેવીએ ભેગા મળી યુવક પર છરી વડે હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. યુવક તેના મિત્ર સાથે ઘોડાગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે ખોખરાના અનુપમ સિનેમા પાસે સાળા-બનેવી રિક્ષા લઈને આવ્યા હતા અને હુમલો કરીને જતા રહ્યા હતા. ઈજાગ્રસ્ત યુવક પહેલાં સાળા-બનેવીની પડોશમાં રહેતો હતો પરંતુ અકસ્માત બાદ તે ઘર ખાલી કરીને બીજે રહેવા જતો રહ્યો હતો.
ચમનપુરા ખાતે આવેલી બાપાલાલ ઘાંચીની ચાલીમાં રહેતા અજય પટણીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં શનિ, મુકેશ અને લાલજી વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. અજય રાયપુર મિલ પાસે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. અજય પહેલાં તેના માતા-પિતા સાથે સરસપુર ખાતે આવેલા મિલન સિનેમા પાસેની પતરાવાળી ચાલીમાં રહેતો હ તો
તે સમયે અજયના પાડોશમાં લાલજી અને તેના સાળા શનિ તેમજ મુકેશ રહેતા હતા. બે વર્ષ પહેલાં અજયની રિક્ષા પ્રથમ નામનો યુવક ચલાવતો હતો. જેનો અકસ્માત લાલજીના સાળા અજય મણિલાલ પટણી સાથે થયો હતો. પ્રથમે કરેલા અકસ્માતમાં અજયનું મોત થયું હતું જેની અદાવત રાખીને લાલજી, શનિ અને મુકેશ અવારનવાર અજય સાથે બબાલ કરતા હતા. પ્રથમે જ્યારે અકસ્માત કર્યો ત્યારે અજય તેની સાથે રિક્ષામાં બેઠો હતો.
અજય તેના મીત્ર વિશાલ સાથે ઘોડાગાડી લઈને મણિનગર ઓર્ડરમાં જવા માટે નીકળ્યો હતો. વિશાલ ઘોડાગાડી ચલાવતો હતો અને અજય બગીમાં બેઠો હતો. બન્ને ખોખરાના અનુપમ સિનેમા પાસે પહોંચ્યા ત્યારે એક રિક્ષા એકાએક આવીને ઘોડાગાડી આગળ ઊભી કરહી હતી. રિક્ષામાંથી શનિ, મુકેશ અને લાલજી ઉતર્યા હતા. ત્રણેય જણા બગી ઉપર ચઢી ગયા હતા અને અજય સાથે મારઝૂડ કરવા લાગ્યા હતા.
શનિ અજયને પાઈપના ફટકા મારતો હતો ત્યારે મુકેશ પણ તેને મારવા લાગ્યો હતો. લાલજીએ તેની પાસે રહેલી છરી કાઢી અને અજયને મારી દીધી હતી. વિશાલ અજયને બચાવવા માટે વચ્ચે પડયો તો તેને પણ માર માર્યો હતો. ત્રણેયે ધમકી આપી હતી કે જો પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાંખીશું.